New Delhi, તા. 26
કેન્દ્ર સરકારે એલપીજી ગેસનાં નિયમોમાં મોટો ફેરફાર કરીને ગ્રાહકોને ખૂબ જ મોટી રાહત આપી છે. સામાન્ય રીતે જે વિસ્તારોમાં પાઇપલાઇન વાળો ગેસ એટલે કે પીએનજી કનેક્શન શરૂ થાય છે, ત્યાં લોકોએ પોતાનું એલપીજી સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરવું પડતું હોય છે.
પરંતુ હવે નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક ભવિષ્યમાં પીએનજી સુવિધા ન હોય તેવા વિસ્તારમાં રહેવા જાય, તો તે ટ્રાન્સફર વાઉચરની મદદથી નવું કનેક્શન લીધાં વગર જ પોતાનું જૂનું એલપીજી કનેક્શન ફરીથી સરળતાથી શરૂ કરાવી શકશે.
નવા નિયમો અનુસાર, ઘરમાં પીએનજી કનેક્શન લાગ્યાં બાદ ગ્રાહકો પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ વિકલ્પ એ છે કે તેઓ પીએનજી મળ્યાના 30 દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન કાયમી ધોરણે સરેન્ડર કરી શકે છે.
જ્યારે બીજો અને વધુ ફાયદાકારક વિકલ્પ એ છે કે ગ્રાહકો કનેક્શન બંધ કરવાની સાથે એક `ટ્રાન્સફર વાઉચર’ મેળવી શકે છે. આ વાઉચર સુરક્ષિત રાખીને ભવિષ્યમાં જ્યારે પણ તેઓ કોઈ એવા વિસ્તારમાં રહેવા જાય જ્યાં પાઇપલાઇન ગેસ નથી, ત્યાં આ વાઉચર બતાવીને જૂનું એલપીજી કનેક્શન ફરી એક્ટિવ કરાવી શકાશે.
સરકારનાં આ નિર્ણયથી ખાસ કરીને એવા લોકોને મોટો ફાયદો થશે જેમની નોકરીમાં વારંવાર બદલી થાય છે, અથવા જેઓ ભાડાનાં મકાનમાં રહે છે અને વિદ્યાર્થીઓ જે ભણવા માટે શહેરો બદલતાં રહે છે.
આ સિવાય સરકારે ઘરેલું ગ્રાહકોની સાથે વેપારીઓને પણ મોટી રાહત આપી છે, જેમાં પશ્ચિમ એશિયાની કટોકટી દરમિયાન કમર્શિયલ પેક્ડ એલપીજી ગેસ પર જે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં, તે હવે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યાં છે અને હોટેલ કે ફેક્ટરીઓ માટે તેની સપ્લાય ફરીથી પહેલાની જેમ સામાન્ય કરી દેવામાં આવી છે.

