જલારામ બાપાના દર્શન કરી બગદાણા જતી વેળાએ નડ્યો અકસ્માત, પરિવારમાં શોક
Virpur,
વિરપુર-અમરેલી હાઈ-વે પર રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે. જ્યારે બે લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ, સુરતના ઓલપાડના પોજરત ગામે રહેતાં પ્રતિકકુમાર રવજીભાઈ પટેલ નામનો ૨૯ વર્ષનો યુવાન પોતાની કાર લઈ વિરપુરથી બગદાણા જઈ રહ્યો હતો ત્યારે અમરેલી રોડ પર વીરપુર નજીક રસ્તામાં અચાનક ખાડો આવતાં પ્રતિકકુમાર પટેલે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં કાર સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતાં અમરેલી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા પ્રતિકકુમાર પટેલનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રતિકકુમાર પટેલ તેના માતા-પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને સૌરાષ્ટ્ર દર્શને નિકળ્યો હતો. વીરપુર દર્શન કરી બગદાણા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક ખાડો આવતાં કાર પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

