સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રકમ પડાવ્યાનો આક્ષેપ; ચાર સામે એફઆઈઆર
Gondal, તા. ૧
Gondal શહેર બી-ડિવિઝન પોલીસ મથકે એક વેપારીની ફરિયાદના આધારે રૂ. ૨૧ લાખની ખંડણી વસૂલવા, ધમકી આપવા અને કાવતરું રચવાના ગંભીર આક્ષેપો સાથે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોંડલના ચોકસીનગર વિસ્તારમાં રહેતા અને નવા માર્કેટિંગ યાર્ડ પાસે જાસ્વી ટ્રેડિંગ નામે કપાસના વેપાર સાથે સંકળાયેલા વેપારી મેહુલભાઈ ભરતભાઈ રૈયાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે ત્રણ મહિના અગાઉ તેમના વ્યવસાયને લગતી કથિત રીતે બદનામ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મુકવામાં આવી હતી.
ફરિયાદીના જણાવ્યા મુજબ આ પોસ્ટ અંગે સંપર્ક સાધતા આરોપીઓએ તેમની મુલાકાત ગોઠવી હતી અને પેઢી તથા વ્યવસાયને સોશિયલ મીડિયામાં વધુ બદનામ કરવાની તેમજ સરકારી વિભાગોમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂ. ૨૧ લાખની માંગણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ અનુસાર બાદમાં આરોપીઓના કહેવાથી ફરિયાદીએ રૂ. ૨૧ લાખની રકમ આપી હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ફરી એક વખત વોટ્સએપ કોલ દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવી હતી અને પૈસા નહીં આપે તો સોશિયલ મીડિયા તેમજ જીએસટી વિભાગમાં ફરિયાદ કરી કાર્યવાહી કરાવવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે પોલીસે હિતેશ સાકરીયા (રહે. મોટા ભાદરા, તા. જામકંડોરણા), પીયૂષ રાદડિયા (રહે. ગોંડલ), ભૌતિક બોઘરા (રહે. ચરખડી, તા. ગોંડલ) તેમજ એક અજાણ્યા વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૫), ૬૧(૨), ૩૫૧(૩) અને ૩(૫) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નોંધાયેલી ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન સામે આવતી હકીકતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

