(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા. ૧
Manavadar તાલુકામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ સીઝનના પ્રથમ વરસાદનું ધીમી ધારે આગમન થયું હતું. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને આકરા તાપમાંથી આંશિક રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં પણ મેઘરાજાના પધરામણીથી ખુશીની લહેર જોવા મળી હતી.
જો કે, આ પ્રથમ વરસાદે જ માણાવદર નગરપાલિકાની ચોમાસા પૂર્વેની તૈયારીઓ એટલે કે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર ધીમી ધારે પડેલા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેને કારણે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી છતી થઈ છે.

