સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ
370 ટન કોલસો મળી રૂા.23 લાખનો મુદ્દામાલ કબજે, શાપરમાંથી પણ ખનીજ ચોરી પકડાઇ
Surendranagar,તા.01
ખનીજ ચોરી માટે છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ મથકની હદમાં આવતાં ચિત્રલાખા ગામમાં સરકારી ખરાબામાંથી કોલસાની ચોરીનું મસમોટું કૌંભાડ રાજકોટ રેન્જના ડીઆઇજીની ટીમે ઝડપી લઇ રૂા.૨૩.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
માહિતીના આધારે ચિત્રલાખા ગામના સર્વે નંબર ૧૪૧ના સરકારી ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપી લઇ સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર, ત્રણ કમ્પ્રેશન મશીન, એક જનરેટર, ત્રણ બાઇક ઉપરાંત ૩૭૦ ટન કોલસો કબજે કર્યો હતો. સીઝ કરેલો તમામ મુદ્દામાલ સાયલા પોલીસના હવાલે કરાયો હતો. હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી કરાશે. સ્થળ પર ૧૩ ખાડા ખોદી તેમાંથી કોલસા ચોરી કરાતી હતી.
આ જ રીતે શાપર પોલીસની હદમાંથી એસઓજીએ અમૃતમ્ તળાવમાંથી પથરાળ તાસના ખનનનું કારસ્તાન પકડી પાડી સ્થળ પરથી એસ્કેવેટર મશીન અને ડમ્પર સહિત રૂા.૩૫ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ કિસ્સામાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે.

