Wankaner,તા.22
પાંચ ઈસમો વિરુદ્ધ નામજોગ અને ત્રણ અજાણ્યા વિરુદ્ધ હત્યાની ફરિયાદ
વાંકાનેરમાં ખાણ બાબતે અને રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી ચાલતા મનદુઃખમાં લોહિયાળ ખેલ ખેલાઈ ગયો હતો ત્રણ અજાણ્યા સહિતના આઠ ઈસમો યુવાન પર ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડતા યુવાનનું મોત થયું હતું હત્યા નીપજાવી તમામ ઈસમો બે કારમાં નસી ગયા હોય જે હત્યાના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે
કુવાડવા ખોડીયાર પાર્કમાં રહેતા કરશનભાઈ નગાભાઇ કરમુર (ઉ.વ.૪૩) વાળાએ આરોપીઓ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઈ મેર બોખીરા, તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૧ ના રોજ સાંજે ઘરેથી ખાણે કરશનભાઈ ગયા હોય ત્યારે રાત્રીના ફોન પર ભાઈ સામતભાઈના ડ્રાઈવર પોપટભાઈનો ફોન આવ્યો હતો અને પાડધરા ચોકડીએ ભાઈ સામતભાઈને આકાશ સહિતના લોકોએ માર માર્યો છે સામત ત્યાં પડ્યા છે કહેતા ભીમગુડા ખાણેથી નીકળી પાડધરા જતા હોય ત્યારે ભાઈની ખાણના મહેતાજી અનિલનો ફોન આવ્યો અને સામતભાઈને વધુ લાગ્યું છે જમીન પર ઢળી પડ્યા છે જેથી તેને વાંકાનેર હોસ્પિટલ લઇ જતા હોવાનું જણાવ્યું હતું
વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ભાઈ સામતભાઈને દાખલ કર્યા હતા ભાઈને વધુ ઈજા હોય જેથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું જણાવ્યું હતું અને તબિયત વધુ બગડતા ડોકટરે ફરી તપાસતા મોત થયાનું ડોકટરે જાહેર કર્યું હતું જે બનાવ મામલે પૂછતાં અનિલભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખાણે હોય ત્યારે ડ્રાઈવર પોપટભાઈનો ફોન આવ્યો અને પાડધરા ચોકડીએ સામતભાઈને આકાશ સાથે માથાકૂટ થયાનું જણાવ્યું હતું જેથી ત્યાં પહોંચતા સામતભાઈ હાજર હતા અને ખાણે લઇ જવા સમજાવતા હોય ત્યારે પોણા અગિયાર વાગ્યે બે ફોર વ્હીલ ગાડીઓ આવી જેમાં આકાશ, વેજો, જયમળ, ભરત, રામ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો ઉતર્યા હતા જેના હાથમાં લાકડાના ધોકા, લોખંડ પાઈપ હોય અને સામતભાઈને ગાળો આપી ઝઘડો કરી આડેધડ મારવા લાગ્યા હતા અને માર મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા
આમ ભાઈ સામતભાઈને રમેશભાઈ ચનાભાઈ સાથે ખાણ બાબતે અને રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખી આરોપીઓ બે કારમાં હથિયાર લઈને આવી ફરિયાદીના ભાઈ સામતભાઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા સહિતના આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે