Bhavnagar,તા.07
સમાવેશી, લોકકેન્દ્રિત અને સર્વગ્રાહી સતત વિકાસ હાંસલ કરવા માટેના સંયુક્ત રાષ્ટ્રના ૨૦૩૦ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ના ૧૭ લક્ષ્યાંકોને પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) માટે નિર્ધારિત કરાયા છે. ગ્રામ્ય સ્તરે થતી કામગીરી અને તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પંચાયત વિકાસ સૂચકાંક (પીડીઆઈ)ની રચના કરવામાં આવેલ છે. જે માટે જુદીજુદી ૯ થીમ અંતર્ગત મૂલ્યાંકનની પ્રક્રિયા સુનિશ્ચિત કરી વિવિધ ગામોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હોવાનું ભાવનગર જિલ્લા પંચાયતના વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોના જણાવ્યા અનુસાર રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૩માં પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ હેઠળ પીઆરઆઈ દ્વારા જે ૯ થીમ આધારિત સ્થાનિક ધ્યેયો પર કામગીરી કરવાથી અંતતઃ રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઉપયોગી બને તેમ છે પરંતુ પંચાયતોની કામગીરી અને તેમની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે અત્યાર સુધી સ્થાનિક સ્તરે કોઈ ઈન્ડેક્સ ઉપલબ્ધ ન હોવાથી પંચાયત સ્તરે થતી કામગીરીના મૂલ્યાંકન અને સિદ્ધિ માટે આ પીડીઆઈની રચના કરાઈ છે.
આ માટે જે ૯ થીમ નિર્ધારિત કરવામાં આવી છે અને જેના આધાર પર ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના વિવિધ ગામોમાં મૂલ્યાંકની પ્રક્રિયા કરી ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તેમાં થીમ-૧માં પ્રોવર્ટી ફ્રી એન્ડ એનહેન્સ્ડ લાઈવલીહૂડ્સ ઈન વિલેજ, થીમ-૨માં હેલ્થી વિલેજ, થીમ-૩માં ચાઈલ્ડ ફ્રેન્ડલી વિલેજ, થીમ-૪માં વોટર સફિશિયન્ટ વિલેજ, થીમ-૫માં ક્લીન એન્ડ ગ્રીન વિલેજ, થીમ-૬માં વિલેજ વીથ સેલ્ફ સફિશિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, થીમ-૭માં સોશિયલી જસ્ટ એન્ડ સોશિયલી સિક્યોર્ડ વિલેજ, થીમ-૮માં વિલેજ વીથ ગુડ ગવર્નન્સ અને થીમ-૯માં વુમન ફ્રેન્ડલી વિલેજનો સમાવેશ થાય છે.
આમ કરવાનો હેતુ એ છે કે, આ ૯ થીમને સંબંધિત પીડીઆઈના ૫૭૭ સૂચકાંકોની માહિતીના આધારે ગ્રામ્ય વિસ્તારમાં એસડીજીના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે જે ખૂંટતી કડીઓ રહેલી છે તે જાણી શકાય છે. આથી પીઆરઆઈના દરેક સ્તરે જિલ્લા આયોજનની ગુણવત્તામાં સુધારો કરી શકાય. એટલું જ નહીં, દરેક વિભાગોને ભવિષ્યની યોજના બનાવવા માટે પણ ઉપયોગી બની શકે.
હવે આ ૯ થીમ અંતર્ગત જિલ્લાના ભાવનગર, સિહોર, જેસર, પાલિતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા, વલ્લભીપુર, ઉમરાળા, ઘોઘા સહિત ૧૦ તાલુકાના વિવિધ ગામોમાં મૂલ્યાંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હોવાનું વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું.