બંધકોને મુક્ત કરવા માટે ફિલિસ્તાનીઓને નાણાકિય પુરસ્કાર અને વિસ્તારમાંથી બહાર નીકળવાનું એલાન કર્યું
Gaza, તા.૨૧
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં યુદ્ધ બંધ નથી થયું. તેવામાં યુદ્ધ વચ્ચે અચાનક ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કોટ્સની સાથે ગાઝાનો પ્રવાસ કર્યો. જેમાં બંને ગાઝાની એક અજાણી જગ્યાએ પહોંચ્યા, જ્યાં તેમણે બંધકોને મુક્ત કરવા માટે ફિલિસ્તાનીઓને નાણાકિય પુરસ્કાર અને વિસ્તારમાંથી બહાર નીકળવાનું એલાન કર્યું.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દરેક બંધકો માટે ૫૦ લાખ ડોલર એટલે કે આશરે ૩૮ કરોડ રૂપિયાનું ઈનામ આપવાનો વાયદો કર્યો. તેમણે કહ્યું કે, ’હું એ લોકોને પણ કહું છું કે જો આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની ઈચ્છા રાખો છો તો જે કોઈ પણ અમને બંધક લાવશે તેમના દરેક પરિવારને બહાર નીકાળવાનો સુરક્ષિત રસ્તો બતાવાશે. જેમાં અમે પ્રત્યેક બંધકો માટે પાંચ મિલિયન ડોલર ઈનામ આપીશું. તમે પસંદ કરો…’
ગત વર્ષે ૭ ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને ૧૨૦૦ લોકોને મોતને ઘાટ પહોંચાડ્યા હતા. આ સાથે ૨૫૦ જેટલાં લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંના કેટલાકને બે ટૂંકા યુદ્ધવિરામ હેઠળ શરતી રીતે મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણા હુમલાઓમાં માર્યા ગયા હતા. જ્યારે હજુ પણ હમાસમાં ૧૦૦ જેટલાં બંધકો છે. જેમને મુક્ત કરવા માટે સતત પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણી વખત યુદ્ધવિરામની નિષ્ફળ પ્રયાસ પણ કરાયો છે.
ઈઝરાયલના હુમલાથી ગાઝા આખું બરબાદ થઈ ગયું છે. જેમાં આશરે ૪૪ હજાર ફિલિસ્તાનીઓ માર્યા ગયા છે. જેમાં મોટાભાગી મહિલાઓ અને બાળકો છે. જે આંકડા દિવસે દિવસે વધી રહ્યાં છે. આ યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયએ અનેક પ્રયાસો કર્યા, જેમાં તેમને નિષ્ફળતા મળી છે. બીજી બાજું, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી જંગમાં ૩૪૦૦ લોકોના મોત નીપજ્યા છે.
તાજેતરના હુમલામાં ઈઝરાયલી સેનાએ બે મિસાઈલ છોડીને મધ્ય બેરૂતને નિશાનો બનાવ્યો હતો.
આ હુમલો લેબેનોનની સરકારના મુખ્યાલય પાસે કરવામાં આવ્યો હતો. લેબેનોનનની સ્વાસ્થ્ય મંત્રાલયની જાણકારી પ્રમાણે, ઈઝરાયલી સેનાના મિસાઈલ હુમલામાં ચાર લોકોના મોત થયા, જ્યારે ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયા. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના સામાજિક અને આર્થિક આયોગ પાસેના વિસ્તારમાં બીજો હુમલો કરવામાં આવ્યો હતો.