RAJKOT, તા.25
રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી ગયુ હોવા છતાં ત્રણ દિવસ હજુ રાહત રહેશે. પરંતુ વિકએન્ડમાં ઠંડીનો ચમકારો અનુભવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક્ભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં આજે ન્યુનતમ તાપમાન જુદા-જુદા સેન્ટરોમાં એક ડીગ્રી ઉપર કે નીચે હતું. રાજકોટમાં 14.8 ડીગ્રીએ ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા એક ડીગ્રી નીચુ હતું.
જયારે અમરેલીમાં 17 ડીગ્રી, ડીસામાં 15.4 ડીગ્રી તથા ભુજમાં 16.7 ડીગ્રીએ નોર્મલ કરતા એક ડીગ્રી ઉંચુ હતું. અમદાવાદમાં 17.8 ડીગ્રી હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું. રાજયના ઠંડા ક્ષેત્રોમાં ન્યુનતમ તાપમાન 14 ડીગ્રી તથા અન્યમાં 16 ડીગ્રી નોર્મલ ગણાય છે.
તા.26 નવેમ્બરથી 2 ડીસેમ્બરની આગાહીમાં તેઓએ કહ્યું કે તા.26 થી 28 દરમ્યાન તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો થશે. ત્યારબાદ તા.30 નવેમ્બરથી 2 ડીસેમ્બર દરમ્યાન બે ડીગ્રી ઘટશે એટલે ઠંડી અનુભવાશે. આ દરમ્યાન ન્યુનતમ તાપમાનની રેન્જ 13થી17 ડીગ્રી રહેશે.
આગાહીના સમયમાં પવન ઉતરપુર્વ કે પુર્વના ફુંકાશે. કયારેક છુટાછવાયા વાદળો જોવા મળશે છતાં વાતાવરણ સ્વચ્છ જ બની રહેશે.
બંગાળની ખાડીમાં નવુ ડીપ્રેશન વધુ મજબૂત થશે: સૌરાષ્ટ્ર – ગુજરાતને અસર નહીં કરે
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આજે સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો તથા તેને લાગુ પુર્વ ઈકવીટોરીયલ હિન્દ મહાસાગર ડીપ્રેસન સીસ્ટમ સર્જાઈ હતી. જે 5 ડીગ્રી નોર્થ તથા 85.3 ડીગ્રી પુર્વ પર છે.
પોન્ડીચેરીથી 980 કીમી દુર દક્ષિણપુર્વ પર છે. આવતા દિવસોમાં તામિલનાડુ-શ્રીલંકા તરફ ગતિ કરશે. પરંતુ ત્યારબાદ દિશા બદલશે. આવતા દિવસોમાં વધુ મજબૂત થશે.
તામિલનાડુ, આંધ્રપ્રદેશ તથા ઓડિશાને વતાઓછા પ્રમાણમાં અસરકર્તા રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તેની અસર થાય તેમ નથી. આ સીસ્ટમ આવતા દિવસોમાં મજબૂત થાય તેમ હોવાથી હવામાન ખાતામાં બુલેટીનને ધ્યાનમાં લેવા તેઓએ સૂચવ્યુ છે.

