Israeli,તા,27
ગત ઓકટોબર માસમાં હમાસ દ્વારા ઈઝરાયેલના સિમાક્ષેત્રમાં કરાયેલા હુમલા બાદ મધ્યપુર્વમાં સર્જાયેલા તનાવ અને છેક લેબનાન અને ઈરાન સુધી યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈઝરાયેલ અને હિઝબુલ્લા સંગઠન વચ્ચે યુદ્ધ વિરામના કરાર થતા વિશ્વમાં એક મોરચો શાંત થવાની આશા સર્જાઈ છે.
અમેરિકાના પ્રયાસથી આજ સવારથી જ આ યુદ્ધ વિરામ અમલી બની ગયુ છે. હાલ 60 દિવસ માટે અમલી બનેલા યુદ્ધ વિરામમાં મહત્વપૂર્ણ રીતે ઈઝરાયેલએ જે રીતે તેની સેના લેબનાનમાં મોકલી છે તેને પરત ખેચી લેશે અને હિઝબુલ્લાની સેના દક્ષિણ લેબનાનમાંથી પરત ખેચાશે.
લગભગ 1 વર્ષથી ચાલતા આ યુદ્ધમાં 1.2 લાખ લેબનાની નાગરિકો અને 50000થી વધુ ઈઝરાયેલ નાગરિકોને હિજરત કરવાની ફરજ પડી હતી. જયારે ઈઝરાયેલના બોમ્બમારામાં 3700 લેબનાની નાગરિકો માર્યા ગયા હતા અને ઈઝરાયેલને પણ તેના 130 સૈનિકોની ખુવારી સહન કરવી પડી હતી.
બન્ને દેશો વચ્ચેના યુદ્ધ કરારમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાની સેના પરત ફરશે અને ત્યાં લેબનાનના સૈનિકો અને સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળ (પીસકિપીંગ કોર્સ) તેનાત થયા અને રાષ્ટ્રસંઘના નિરિક્ષકો યુદ્ધ વિરામ પર નજર રાખશે અને હિઝબુલ્લા તેના કોઈ યુદ્ધ વિરામ ભંગનો પ્રયાસ કરશે તો ઈઝરાયેલને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે. જો કે આ કલમનો લેબનાનની સરકારે વિરોધ કર્યો હતો પણ અમેરિકી દબાણ આગળ તે સ્વીકારી લેવામાં આવી હતી.
અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને બ્રિટીશ વડાપ્રધાન કૈર સ્ટાર્મરના પ્રયાસોથી આ યુદ્ધ વિરામ શકય થયું છે. પ્રમુખ જો બાઈડને આ યુદ્ધ વિરામ સમજુતીને આવકારતા કહ્યું કે મે બન્ને દેશોના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી અને બન્ને દેશોએ અમેરિકાની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે તેની બુમ છે.
બ્રિટીશ વડાપ્રધાને હવે ગાઝામાં પણ તાત્કાલિક યુદ્ધ વિરામ લાગુ કરી તે બન્ને તરફી જે બંધકો બનાવાયા છે તેની મુક્તિ તથા ગાઝાને તાત્કાલીક માનવીય મદદ મળે તે જોવા માટે અપીલ કરી હતી. ઈઝબુલ્લા સંગઠને પણ આ સમજુતીને આવકારતા કહ્યું કે ઈઝરાયેલ હવે હુમલો નહી કરે તેવી આશા રાખીએ છીએ. અમો લેબનાનની સરકારની સાથે છીએ.
હવે ગાઝામાં પણ શાંતિ! અપહૃતોની મુક્તિની આશા ઉજળી બની
તેલઅવિવ: ઈઝરાયેલ અને હીઝબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામ થતા હવે ગાઝામાં પણ શાંતિ લવાશે તેવી આશા વેગવંતી બની છે. જો કે આ કરારમાં ગાઝાનો કોઈ સીધો ઉલ્લેખ નથી પણ હમાસે જે રીતે ઈઝરાયેલના નાગરિકો પર હુમલો કર્યો તે જ આ હુમલા માટે કારણ બન્યુ હતું.
જેમાં 50000થી વધુ ગાઝાવાસીઓ માર્યા ગયા છે અને 1200થી વધુ ઈઝરાયેલી નાગરિકો પણ ભોગ બન્યા છે પણ હજુ હમાસની કેદમાં 100થી વધુ ઈઝરાયેલી અને વિદેશી નાગરિકો છે અને તેની મુક્તિ માટે અમેરિકા સહિતના દેશો પ્રયાસ કરે છે અને ઈઝરાયેલે હમાસના આતંકીઓ શરણે આવે તેવી માંગ કરી છે.