Amreli,તા.8
અમરેલીમાં ભાજપ આગેવાનના બનાવટી લેટર કાંડમાં આરોપી યુવતીને પોલીસે અગાઉ રાત્રે અટકાયત કર્યા બાદ ગઈકાલે ફરી પોલીસે એકની એક ભુલ કરી ગતરાત્રે યુવતીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને જાણ થતા તેઓએ પોલીસની ગાડીને અટકાવી યુવતીને ઘરે પરત પહોંચાડવાની સીટની ટીમને ફરજ પડી હતી.
અમરેલીના બનાવટી લેટરકાંડમા પાટીદાર સમાજની દીકરીનુ જાહેરમા સરઘસ કાઢવાના મુદાની લડત હવે ચરમસીમા પર પહોંચી છે. અને વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણીએ જો જવાબદાર પોલીસ અધિકારીઓના પટ્ટા નહી ઉતારવામા આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ પોલીસે એકની એક ભુલ ફરીવાર કરી યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઇ જતા પરેશ ધાનાણીએ રસ્તામા પોલીસની ગાડી અટકાવી હતી.
બીજી તરફ સીટની ટીમ તપાસ માટે ગઈકાલે યુવતીના ઘરે પહોંચી હતી અને હદ તો એ વાતની છે કે આ ટીમે યુવતીને મેડિકલ ચેકઅપ માટે રાત્રે તેના ઘરેથી લઈને જતી હતી. આ બનાવની જાણ થતા પરેશ ધાનાણીએ પોલીસની ગાડીઓને રસ્તામા આંતરી હતી અને રાતના બદલે સવારે યુવતીને લઇ જવાનુ કહેતા પોલીસ યુવતીને પરત મુકવા જવા મજબુર થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લેટરકાંડના ચારેય આરોપીને અગાઉ સાયબર ક્રાઇમ પીઆઇ એ.એમ.પરમાર દ્વારા ગત 29મી તારીખે ચીફ કોર્ટમા રજુ કરવામા આવ્યા હતા ત્યારે ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે ચારેયને પોલીસ વિરૂધ્ધ કોઇ મારકુટ અંગેની ફરિયાદ છે કે કેમ ?
તેમ પુછતા ચારેય આરોપીએ કોઇ ફરિયાદ ન હોવાનુ જણાવ્યું હતુ. જેથી અદાલતે તેમને જયુડીશ્યલ કસ્ટડીમા લેવા હુકમ કર્યો હતો.આ અંગેના ડોક્યુમેન્ટ પણ ગઈકાલે સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.