Moscowતા.૧૫
શનિવારે સવારે દક્ષિણ સાઇબિરીયાના અલ્તાઇ રિપબ્લિકમાં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. અચાનક ધરતી ધ્રુજતા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને સલામત સ્થળો તરફ ભાગવા લાગ્યા. રશિયન ભૂકંપશાસ્ત્રીઓએ આ માહિતી આપી. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી ’ઇન્ટરફેક્સ’ એ રશિયન એકેડેમી ઓફ સાયન્સની ઇન્ટિગ્રેટેડ જીઓફિઝિકલ સર્વિસને ટાંકીને જણાવ્યું છે કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૪૮ વાગ્યે આવ્યો હતો અને તેના આંચકા પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
પ્રાદેશિક વડા આન્દ્રે તુર્ચકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લખ્યું કે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઉચ્ચ ચેતવણી જારી કરવામાં આવી છે, જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તુર્ચકે જણાવ્યું હતું કે પ્રારંભિક મૂલ્યાંકનમાં કેટલાક વિસ્તારોમાં નજીવું નુકસાન થયું હોવાનું જણાયું છે. તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા કે ભૂકંપથી વ્યાપક નુકસાન થયું છે.