Ahmedabad,
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામા આવે છે. પરંતુ, તે મુજબ ન તો યુનિવર્સિટીમાં સત્ર શરૂ કે પૂરા થાય છે અને ન તો તે પ્રમાણે પરીક્ષા લઈ શકાય છે. જેથી કેલેન્ડર માત્ર કાગળ પર જ રહી જાય છે. ગુજરાત યુનિ. દ્વારા તાજેતરમાં યુજી-પીજી સેમેસ્ટર 2, 4 અને 6ની પરીક્ષાઓ માટેનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ અનેક કોર્સની ઘણી પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ લેવી પડશે.
ઉનાળુ વેકેશનમાં પણ શરૂ રહેશે પરીક્ષા
બીજા સત્રમાં 106 શૈક્ષણિક દિવસો છે. કેલેન્ડર મુજબ 29 એપ્રિલથી યુનિ-કોલેજો માટે ઉનાળુ વેકેશન છે. જે 16 જૂન સુધીનું 49 દિવસનું રહેશે. કેલેન્ડર મુજબ 29 એપ્રિલથી ઉનાળુ વેકેશન શરૂ થઈ જશે. પરંતુ, ઉનાળુ વેકેશનમાં પણ ગુજરાત યુનિ.ની અનેક સેમેસ્ટરની પરીક્ષાઓ છે.
ગુજરાત યુનિ. દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પરીક્ષા કાર્યક્રમ મુજબ, 17 એપ્રિલથી B.Ed. સેમેસ્ટર 2 અને M.Ed. સેમિસ્ટર-4 તથા LLB સેમેસ્ટર-4 અને 6 તથા B.A, B.Com, BCA. BBA, BBA-BCA ના વિદ્યાર્થીઓની સેમ. 4 ની પરીક્ષાઓ શરૂ થશે. 24 એપ્રિલથી MA, M.Com, MCC, ALW અને MSW સેમ-2ની પરીક્ષાઓ ઉપરાંત CBSC મુજબના B.A, B.Com, BSC, BBA-BSC ના વિદ્યાર્થીઓને સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે.