Ahmedabad,તા.૧૫
ઈસનપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલા ચકચારી એસિડ એટેક કેસમાં સિટી સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાડોશમાં રહેતી મહિલાએ સોનાની ચેઈન લૂંટવાના ઈરાદે ૫૯ વર્ષીય મહિલા પર હાઈડ્રોક્લોરિક એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો સાબિત થતાં કોર્ટે ૬૪ વર્ષીય મહિલા આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનેલી મહિલાને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
પ્રિન્સિપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, એસિડ હુમલાના કારણે પીડિત મહિલાની આંખોની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને વળતરની રકમ ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. ઉપરાંત આરોપી પાસેથી વસૂલવામાં આવનારી દંડની રકમ પણ પીડિતાને જ આપવામાં આવશે.
કેસની વિગતો મુજબ, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ઈસનપુર સ્થિત કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ભોગ બનેલી મહિલા પોતાના ઘરે એકલા હતા. ત્યારે સામે રહેતી આરોપી મહિલા ખાંડની વાટકી પરત લેવાના બહાને તેમના ઘરે પહોંચી હતી. બાદમાં તેણે પીડિતાની સોનાની ચેઈનની ડિઝાઈન જોવા અને તેનો ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યારે પીડિતા ચેઈન બતાવીને તેને પરત તિજોરીમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ પાછળથી તેમના માથા અને આંખો પર હાઈડ્રોક્લોરિક એસિડ રેડી દીધું હતું. એસિડના કારણે પીડિતાએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેમને ધક્કો મારી બેડ પર પાડી દીધા હતા, ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન સોનાની ચેઈન તોડી નાખી હતી. પીડિતાના ચીસો સાંભળીને પડોશીઓ તેમજ તેમના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે આરોપી મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. બાદમાં ઈસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ પટેલે સાક્ષીઓ અને ૧૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને આરોપી વિરુદ્ધનો ગુનો સાબિત કરી કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, સમાજમાં વધી રહેલા આવા ગંભીર ગુનાઓને રોકવા માટે કડક સજા થાય તે જરૂરી છે. જોકે કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી મહિલાને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. સાથે જ પીડિતા મહિલાને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૩ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપીને ન્યાયિક વ્યવસ્થાની સંવેદનશીલતા પણ દર્શાવી હતી.

