Vadodara,તા.૧૫
વડોદરામાં એસઓજી પોલીસે બાતમીના આધારે રતિલાલ પાર્કમાં મકાન નંબર એ/૫૦માં દરોડો પાડીને નશીલી કફ સીરપનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં ૨૫૭૦ નંગ કોડિન કફ સીરપની બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. ૫.૭૮ લાખ થાય છે. પોલીસે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની મદદ લીધી છે.
એસીપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, પોલીસે આ કેસમાં વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. વિપુલ રાજપૂત, ઓકલેન્ડ ફાર્મસી નામની દુકાન ચલાવે છે, જ્યારે કેયુર રાજપૂત, માં મેડિકલ સ્ટોર નામનો મેડિકલ સ્ટોર ચલાવે છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ ગ્રાહકોને ગેરકાયદેસર રીતે નશીલી કફ સીરપનું વેચાણ કરતા હતા. કેયુર રાજપૂત સામે અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
એસીપી હરપાલસિંહ રાઠોડે આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે આ કેસમાં કુલ રૂ. ૭ લાખ ૮૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે આગળની તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
થોડા દિવસો પહેલા મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી ૪૦૦ પેટી નશીલી કફ સીરપનો જથ્થો પકડાયો છે. એલસીબીની ટીમે ખાનગી ગોડાઉનમાંથી અંદાજે ૧.૫ કરોડની નશીલી કફ સીરપનો જથ્થો ઝડપ્યો છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ફુલ એકશનમાં આવ્યું છે. મોરબીના રંગપર ગામ નજીક ખાનગી ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે.