Vadodara,તા.૧૭
Vadodara જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા પાસે એક યુવકે રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે પોતાની છાતીના ભાગે ગોળી મારી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં યુવકની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તે વડોદરાની સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે.
આ ચોંકાવનારા પગલા બાદ લોહીલુહાણ હાલતમાં યુવકે ગુનામાં વપરાયેલી રિવોલ્વરને કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી હતી. રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા આ યુવક પર પોલીસની નજર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સાવલીના મંજુસરમાં રહેતો રણજીત ચૌધરી નામનો યુવક નિરમા કેનાલ પર પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી.પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં લખેલી એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં યુવકે પોતાની પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા છે. પત્નીએ તેની સાથે ગદ્દારી કરી હોવાના કારણે તે આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે. યુવકે ભાવુક થઈને ચિઠ્ઠીમાં લખ્યું છે કેઃ “મેરી વાલી ને ગદ્દારી કી હૈ, અધૂરા હી સહી પર પ્યાર થા.”
પત્નીના કથિત ત્રાસ અને દગાથી કંટાળીને યુવકે આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને અંતિમ ચિઠ્ઠી કબજે કરી છે અને યુવક પાસે રિવોલ્વર ક્યાંથી આવી તથા આપઘાતના પ્રયાસ પાછળના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

