Vadodara,તા.૧૦
Vadodaraના અકોટા વિસ્તારમાં લવ જેહાદના આરોપ સાથે સગીરા અપહરણ અને દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો છે. રાજસ્થાનની સગીરાને વડોદરા લાવીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરવા અને ખંડણી માંગવાના આરોપમાં એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અપહરણ, દુષ્કર્મ, ખંડણી સહિતના વિવિધ ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, અજમેર (રાજસ્થાન)ના રહેવાસી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામના યુવકે સગીરાને અપહરણ કરી વડોદરા લાવી હોવાનો આરોપ છે. ફરિયાદમાં કહેવાયું છે કે આરોપીએ સગીરાને પોતાની સાથે રાખીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં, સગીરાને પરત મોકલવાના બદલામાં તેની માતા પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે આરોપીએ સગીરાના કિંમતી દાગીના અને મોબાઈલ ફોન પણ વેચી નાખ્યા છે. આ ઉપરાંત આરોપીની માતાએ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
વડોદરા પોલીસના ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે, પીડિતાની માતાએ શરૂઆતમાં રાજસ્થાનના અજમેરમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ઘટનાનો મુખ્ય વિસ્તાર વડોદરાના અકોટા પોલીસ સ્ટેશન હેઠળ આવતો હોવાનું જાણવા મળતાં અકોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સગીરાને સુરક્ષિત સ્થળે શોધી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. ફરાર આરોપી સલીમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આરોપીના સંપર્કો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી રહી છે. આ મામલે અકોટા પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને આરોપીને ઝડપી પાડવાની કવાયત ઝડપી બનાવી છે. તપાસના અંતે વધુ વિગતો સામે આવશે.

