Dhrol , તા.17
ધ્રોલ નગરપાલિકા વોર્ડ નં.7 પેટા ચૂંટણી યોજાઈ હતી. જે વોર્ડમાં અન્ય વોર્ડ કરતાં સૌથી વધુ 81.76 ટકા મતદાન થયું છે. અગાઉ યોજાયેલ ચુંટણીના ત્રણેય દિવસ પહેલાં વોર્ડ નં-7 ના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતા ચુંટણી મુલતવી રાખી હતી. બાદ ગઈ કાલે ચુંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેની 18 મી માર્ચે મત ગણતરી યોજાનાર છે.
ધ્રોલ નગરપાલિકાની વોર્ડ નં-7 ની ચુંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જેમાં ભાજપના 4, કોંગ્રેસના 4 અને આપના 2 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. અગાઉ યોજાયેલ ચુંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થયું હતું. બાદ વોર્ડ નં-7 ની ચુંટણી મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે અન્ય છ વોર્ડની ચુંટણી યોજાઈ હતી.
જેમાં ભાજપને 15, કોંગ્રેસને 8 અને એક અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. બાદ ગઈ કાલે વોર્ડ નં- 7 ની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપમાં ઈલાબેન લખમણભાઈ બાંભવા, શાંતુબા સહદેવસિંહ જાડેજા, વલ્લભભાઈ મોહનભાઈ પરમાર, લક્ષ્મણભાઈ વસ્તાભાઈ નકુમ જ્યારે કોંગ્રેસમાંથી અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલા, જરીનાબેન હાજીભાઈ મકવાણા, પ્રભાબેન ગોરધનભાઈ પરમાર અને રણછોડ વેલજીભાઈ પરમાર તેમજ આપમાંથી પ્રદ્યુમનસિંહ ચતુરસિંહ જાડેજા અને ફિરોજ મહમદભાઈ મકવાણા (ફિરોજડાડા) મેદાને ઉતર્યા હતા.
ગઈ કાલે યોજાયેલ ચુંટણીમાં કુલ 3405 મતદાનમાંથી 2784 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. જે મતદાન અન્ય વોર્ડ કરતાં સૌથી વધુ 81.76 ટકા મતદાન થયું હતું. પેટા ચુંટણી હોવાથી બંને પક્ષના દિગ્ગજ નેતા પણ મેદાને ઉતર્યા હતા. અને તેમના પક્ષના ઉમેદવારોને જીતાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે આવતીકાલે ધ્રોલ પ્રાંત કચેરી સેવાસદન ખાતે મતગણતરી યોજાશે.