Washington,તા.26
અમેરિકામાં એક બાદ એક આકરા ફેરફારો કરી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકી લોકોની નાગરિકતા અને મતદાર યાદી બન્નેમાં ભારત તથા બ્રાઝીલ સ્ટાઈલથી બાયોમેટ્રીક પદ્ધતિ દાખલ કરવા નિર્ણય લીધો છે. અમેરિકામાં રીપબ્લીકન નેશનલ કમીટીએ દેશભરમાં મતદાર નોંધણી ચકાસણી અભિયાન શરૂ કર્યુ છે.
અમેરિકાના 48 રાજયો અને વોશિંગ્ટન ડીસીની મતદાર યાદીની માંગણી કરી છે અને તેના પરથી જ ટ્રમ્પે હવે આગામી દિવસોમાં ચુંટણી સંબંધી વધુ એકશનની જાહેરાત કરી છે. ભારત અને બ્રાઝીલ જેવા દેશોએ પણ મતદારોની ચકાસણી માટે બાયોમેટ્રીક પદ્ધતિ અપનાવી છે અને આપણે જુની પુરાણી પદ્ધતિમાં અટવાયેલા છીએ.
હાલ અમેરિકામાં મતદાર ખુદની હયાતીનો અને નાગરિકતાનો પુરાવો આપે છે. તેના પરથી તેનું નામ મતદાર યાદીમાં જોડાય છે. હવે અમેરિકાના દરેક રાજયોએ તેની મતદાર યાદી ફેડરલ (કેન્દ્ર) સરકારને આપવી પડશે અને જે રાજય આપશે નહી તેનું ઈલેકશન ફંડીંગ અટકાવવામાં આવશે.
અમેરિકાના નાગરિક તરીકે જે તે મતદાર ડોકયુમેન્ટ્રી પ્રુફ જે સરકાર માન્ય હોય તે આપવું પડશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ચુંટણીમાં છેતરપીંડી થાય છે તેને હું રોકીશ.
અમેરિકામાં મતદાન માટે કોઈ રાષ્ટ્રીય નિયમ નહી. દરેક રાજયને પોતાના કાનૂન છે. અનેક રાજયોમાં ટપાલ સરનામા કે વિજળી બિલ બનાવીને મતદાન કરવાની છુટ છે.
તો અનેક રાજયમાં જે તે વર્ષથી ઈન્સ્ટન્ટ સોગંદનામુ કરીને પણ મતદાન કરી શકે છે. ટ્રમ્પે હવે આ માટે નેશનલ સીસ્ટમ અને તે પણ બાયોમેટ્રીક આધાર જેવી સીસ્ટમ અપનાવવા નિર્ણય લીધા છે અને દરેક રાજયોએ તેનું પાલન કરવું પડશે.