New Delhi, તા.9
ફિફા વર્લ્ડ કપ 2026 ના આ સૌથી મોટા મુકાબલામાં ‘એટલસ લાયન્સ’ તરીકે ઓળખાતી મોરોક્કોની ટીમ પોતાનાં અભેદ્ય ડિફેન્સના જોરે નવો ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. મોરોક્કોની ટીમ પોતાની છેલ્લી 13 મેચોથી સતત અજેય રહી છે અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને અહીં સુધી પહોંચી છે.
આજે રાત્રે 1ઃ30 વાગ્યે રમાનારા આ ક્વાર્ટર ફાઇનલ જંગમાં તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલા કુલ 6 મુકાબલામાં ફ્રાન્સે 4 મેચ જીતી છે અને 2 મેચ ડ્રો રહી છે, એટલે કે મોરોક્કો હજુ સુધી ફ્રાન્સ સામે એક પણ મેચ જીતી શક્યું નથી. મોરોક્કોના સ્ટાર ગોલકીપર યાસીન બોનો માટે ફ્રાન્સના આક્રમણને રોકવું એ આ મેચનો સૌથી મોટો પડકાર બની રહેશે.
બીજી તરફ, ફ્રાન્સ પાસે આ મુકાબલો જીતીને ઇટાલી અને બ્રાઝિલ પછી સતત બે વાર ખિતાબ જીતનારી વિશ્વની ત્રીજી ટીમ બનવાની સુવર્ણ તક છે. ફ્રાન્સના આક્રમણની મુખ્ય ધરી કિલિયન એમ્બાપે અને દેશ માટે સૌથી વધુ ગોલ કરવાનો ઓલ-ટાઇમ રેકોર્ડ તોડનાર ઓલિવિયર ગીરોડની જોડી રહેશે.
જો એકંદર ટૂર્નામેન્ટની વાત કરીએ તો, ફિફા વર્લ્ડ કપ 2026 હવે તેનાં સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે, જ્યાં કુલ 104 મેચોમાંથી 96 મેચો રમાઈ ગઈ છે અને ક્વાર્ટર ફાઇનલની લાઇન-અપ સંપૂર્ણપણે તૈયાર છે.
અત્યાર સુધી આ મહાકુંભમાં 280 ગોલ નોંધાયા છે, જેમાં પ્રતિ મેચ સરેરાશ 2.92 ગોલનો રેશિયો રહ્યો છે, જ્યારે રમતની શિસ્તની દ્રષ્ટિએ 13 રેડ કાર્ડ અને 180 યલો કાર્ડ બતાવવામાં આવ્યા છે.
આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડન બૂટની રેસમાં લિઓનેલ મેસ્સી (8 ગોલ) સૌથી આગળ છે, જેની પાછળ કિલિયન એમ્બાપે (7 ગોલ), અર્લિંગ હાલેન્ડ (7 ગોલ) અને હેરી કેન (6 ગોલ) મજબૂત પડકાર ફેંકી રહ્યા છે.

