Bristol,તા. 9
પોતાની સૌથી મોટી હાર અને બીજા સૌથી ઓછા સ્કોર પર આઉટ થયાં બાદ ટીમ ઈન્ડિયાની શાખ દાવ પર છે. વિશ્વ ચેમ્પિયન ટીમને જો છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર સતત બે સિરીઝ હારવાથી બચવું હોય, તો આજે ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-20 મેચમાં જીતવું જ પડશે.
આ માટે તેના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવવો પડશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડની મુશ્કેલ પરિસિ્થતિઓમાં ઢળવા માટે સંઘર્ષ કરી રહી છે. જો ટીમ આ મેચ હારી જશે, તો 2018-19 પછી પહેલીવાર સતત બે સિરીઝ પણ ગુમાવશે.
ત્રીજી મેચમાં ટીમ 202 રનના લક્ષ્યનો પીછો કરતા માત્ર 76 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. માત્ર ત્રણ બેટ્સમેનો જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યાં હતા અને ટીમને 125 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ સિલેક્શનને લઈને સૌથી મોટો સવાલ સંજુ સેમસનને લઈને છે. તેમને બીજી અને ત્રીજી ટી-20માંથી બહાર કરીને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવી હતી. આ યુવા ખેલાડીનું પ્રદર્શન અત્યાર સુધી ટીમની બાકીના ખેલાડીઓ જેવું જ ખરાબ રહ્યું છે અને કંઈ ખાસ સારું નથી રહ્યું.
કારણ કે ટીમ અત્યારે 0-2થી પાછળ ચાલી રહી છે, તેથી ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સેમસનની વાપસીની શક્યતાઓનો ઇનકાર કર્યો નથી. સંજુનું કરિયર છેલ્લા ચાર મહિનામાં ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું છે.
આર્ચર અને જોશ ટંગની ઝડપી અને આક્રમક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યાં છે. બંનેએ મળીને સાત વિકેટ લીધી હતી, જેમાં ટોચના પાંચ બેટ્સમેનો પણ સામેલ હતા.
હવે ઓપનિંગ જોડીમાં છેડછાડ કર્યા વિના સેમસનને ટીમમાં સામેલ કરવા અને સૂર્યવંશીને કોઈ પણ દબાણ વિના પોતાની પ્રતિભા બતાવવાની તક આપવા માટે મિડલ ઓર્ડરમાં ફેરફાર કરવો પડી શકે છે. ઉપ-કેપ્ટન તિલક વર્માની જગ્યા પર સવાલો ઊભા થઈ શકે છે.

