London,તા. 9
બ્રિટનનાં 23 વર્ષીય આર્થર ફેરીએ વિંબલ્ડન 2026માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખતાં મોટો ઉલટફેર કર્યો છે. તેણે મેન્સ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રેન્ચ ઓપનના રનર-અપ ફ્લેવિયો કોબોલીને સીધાં સેટોમાં 6-4, 7-6(4), 6-0 થી કારમી માત આપીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વાઇલ્ડ કાર્ડ દ્વારા ટૂર્નામેન્ટમાં એન્ટ્રી મેળવનારા આ ખેલાડીની જીતે ટેનિસ જગતમાં ચર્ચા જગાવી દીધી છે.
આ ઐતિહાસિક જીતની સાથે જ આર્થર ફેરી વિંબલ્ડનના ઇતિહાસમાં સેમિફાઇનલ સુધી પહોંચનારો દુનિયાનો બીજો વાઇલ્ડ કાર્ડ ખેલાડી બની ગયો છે. આ પહેલાં વર્ષ 2001માં ક્રોએશિયાના દિગ્ગજ ગોરાન ઇવાનિસેવિચે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા સેમિફાઇનલમાં પહોંચીને ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત, ફેરી ‘ઓપન એરા’માં વિંબલ્ડન સેમિફાઇનલમાં પહોંચનારો પાંચમો બ્રિટિશ પુરુષ ખેલાડી પણ બન્યો છે.
હવે ઓલ ઇંગ્લેન્ડ ક્લબના સેમિફાઇનલ મુકાબલામાં આર્થર ફેરીનો સામનો વર્તમાન ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે. ઝવેરેવે અન્ય ક્વાર્ટર ફાઇનલમાં ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4, 6-2 થી હરાવીને પોતાનાં કરિયરમાં પહેલીવાર વિંબલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જેથી આગામી મુકાબલો ભારે રોમાંચક બનશે.

