૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન
Kundheli તા.૧૩
Bhavnagar જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ સંચાલિત કૃષિબાગાયત વિકાસ કેન્દ્ર ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પર એક વિશાળ અને ભવ્ય તકનીકી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા હવામાન અને રોગ-જીવાતના કારણે આંબાના પાકમાં આવી રહેલી ગંભીર સમસ્યાઓના કાયમી નિવારણ માટે યોજાયેલા આ સેમિનારમાં સમગ્ર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાંથી ૨૫૦ થી વધુ પ્રગતિશીલ આંબા ઉત્પાદક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય તજજ્ઞ દ્વારા વૈજ્ઞાનિક માર્ગદર્શન કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ૧૨ થી વધુ દેશોમાં આંબાની ખેતી માટે તકનીકી માર્ગદર્શન પૂરું પાડનાર દેશના જાણીતા આંબા પાક તજજ્ઞ અને આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ શ્રી ધવલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના ખેડૂતો આંબાવાડીમાં ઘટતું ઉત્પાદન, રોગ-જીવાતનો ઉપદ્રવ, અનિયમિત ચોમાસું અને વધતા જતા ઉત્પાદન ખર્ચથી પરેશાન થઈને આંબાવાડીઓ કાઢી રહ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા ખેડૂતોને સીધા વૈજ્ઞાનિકો સાથે જોડવા આ વિશેષ સત્ર યોજાયું હતું. જેમાં શ્રી ધવલસિંહ ચૌહાણે આંબાવાડીનું નવસર્જન, વૈજ્ઞાનિક છાંટણી (પ્રુનિંગ), પોષણ અને પાણી વ્યવસ્થાપન, સંકલિત જીવાત નિયંત્રણ, મોર (ફ્લાવરિંગ) અને ફળ બેસવાની તકનીકો તેમજ લણણી પછીના વ્યવસ્થાપનની ઝીણવટભરી માહિતી આપી હતી.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ અને ક્ષેત્ર મુલાકાત આ પ્રસંગે ગર્વમેન્ટ ઑફ ગુજરાતના કૃષિ અધિકારીઓ અને વિજ્ઞાન કેન્દ્રોના નિષ્ણાતો ખાસ હાજર રહ્યા હતા, જેમાં સણોસરાના વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લા, કૃષિ નિષ્ણાત ડૉ. વિનીતભાઈ સવાણી, શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ (આંબલા-મણાર) ના ડિરેક્ટર આદરણીય શ્રી મેહુલભાઈ ભટ્ટ તેમજ તાલાલાના વડા અને અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો.
વર્કશોપના બીજા સત્રમાં મણાર કેન્દ્રના આંબા પ્રદર્શન પ્લોટ અને નજીકની આંબાવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં શ્રી ધવલસિંહ ચૌહાણે ખેતરમાં જઈને રોગ ઓળખવા અને ઉત્પાદકતા તેમજ ગુણવત્તા સુધારવા માટેની પ્રાયોગિક પદ્ધતિઓનું લાઈવ પ્રદર્શન કરી બતાવ્યું હતું.
ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા આભાર દર્શન કાર્યક્રમના અંતમાં મણાર કેન્દ્રના વડાડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા ઉપસ્થિત તમામ વૈજ્ઞાનિકો, સરકારી અધિકારીઓ, પધારેલા અતિથિ વિશેષો અને સમગ્ર રાજ્યમાંથી આવેલા ઉત્સાહી ખેડૂતોનો આ સંયુક્ત પ્રયાસને ભવ્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ ઐતિહાસિક વર્કશોપ આ વિસ્તારમાં આંબાની ખેતીને પુનઃ જીવંત કરવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મણાર કેન્દ્રનું એક મજબૂત કદમ સાબિત થયું છે.

