(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩
Jamnagar જિલ્લાના ખીમરાણા ગામમાં જાહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર એક શખ્સને ૧૧૨ જનરક્ષક ટીમે ઝડપી લઈ પંચ ’એ’ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે નશાબાજ ને તેની પત્નીએ જ પોલીસ પાસે પકડાવી દીધો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૧.૪૮ વાગ્યે ૧૧૨ જનરક્ષકને ખીમરાણા ગામમાંથી રાણીબેન ઘેલાભાઈ રાતડિયાએ ફોન કરી જાણ કરી હતી કે તેમના પતિ દારૂના નશામાં જાહેરમાં બકવાસ કરી તોફાન મચાવી રહ્યા છે. જાણના આધારે જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી ઘેલાભાઈ મયાભાઈ રાતડિયા (ઉંમર ૩૪, રહે. ખીમરાણા, તા. જી. જામનગર)ને કસ્ટડીમાં લઈ પંચ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં આરોપીના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને તે નશાની હાલતમાં લથડિયાં ખાતો તેમજ બકવાસ કરતો હોવાનું જણાયું હતું. તેની પાસે દારૂ પીવા અંગે કોઈ પાસ કે પરમિટ મળી આવી નહોતી. અંગજડતી દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.આ અંગે પોલીસ કોન્સ્ટેબલ મીતલબેન ગોબરભાઈ વકાતરે ફરિયાદ નોંધાવતા પંચ ’એ’ ડિવિઝન પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી તેને પોલીસ લોકપ ના દર્શન કરાવ્યા છે.

