ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ ભાગી જઈ જામીન માટે કોર્ટમા. દાદ માંગી
Rajkot તા.૧૩
શહેરના સગી બહેનના પરીવાર સહિતના રોકાણકારોના કરોડો રૂપીયા ચાઉ કરી જવાના છેતરપિંડીના કેસમાં વેપારી દંપતીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ ઓમનગર વિસ્તારમાં આવેલ રુદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રી ગીરીરાજ વાસણ અને શ્રી દ્વારકાધીશ વાસણના નામે ધંધો કરતા પ્રિયંકભાઈ રમશેભાઈ કારીયા અને ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયાએ સગી બહેનના સાસરીયા સહિત રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી રૂ.૫.૫૦ કરોડ લઇ દુબઈ જતા રહ્યા હતા. આ અંગે ફરીયાદ ધનસુખભાઇ રાયચુરાએ ક્રાઈમ બ્રાન્ચમાં કારીયા દંપતી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે દંપતીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી સામે વાંધાઓ સાથેની દલીલો કરી અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ગ્રાહ્ય રાખી કોર્ટે છેતરપિંડીના ગુનામાં દંપતીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. સરકાર પક્ષે સરકારી વકીલ કે. બી. ડોડીયા, ભોગ બનનાર વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, વિશાલ કૌશિક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નેમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા અને હીરલ નિમાવત રોકાયા હતા.

