(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩
જામનગર શહેરના નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં થયેલી બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ મામલે ઘાયલની પત્ની રસીલાબેન પ્રકાશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગે પણ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, ૧૧ જુલાઈના બપોરે આશરે બે વાગ્યાના સમયે પ્રકાશભાઈ સવજીભાઈ સોલંકી કોઈ કામસર નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન ભોઈવાડા વિસ્તારમાં રહેતા રાહુલ અશોકભાઈ મહેતા સાથે અથડામણ થતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આરોપીએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ પેન્ટના નેફામાંથી છરી કાઢી પ્રકાશભાઈના માથા, કપાળ અને ડાબી આંખના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા બાદ આરોપીએ ફરીથી અહીં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઘાયલને ચક્કર આવતાં એક રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં ઘાયલની પત્ની અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ પત્નીએ પતિ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે રાહુલ અશોકભાઈ મહેતા સામે હુમલો, ઈજા પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

