New Delhi,તા.15
દેશમાં સરકારે હવે તમામ પેટ્રોલપંપ પર ઈ-20 પેટ્રોલ જ ઉપલબ્ધ બનાવતા તેની સામે સર્જાયેલા વિવાદમાં હવે યુ-ટર્ન આવ્યા છે. ભવિષ્યમાં શુદ્ધ પેટ્રોલ (ઈથોનલ મિશ્રણ વગરનું) મળશે જ નહી તેવા સંકેત વચ્ચે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ એક મુલાકાતમાં કહ્યું કે, 100% પેટ્રોલ પણ ઉપલબ્ધ રહેશે પણ તેના માટે વધુ કિંમત ચુકવવી પડશે.
જો કે તેઓએ આ અંગે કહ્યું કે, જેઓ 100% પેટ્રોલ ઈચ્છતા હોય તેઓને વિકલ્પ હશે. જો કે આ અંગે પેટ્રોલિયમ મંત્રાલય નિર્ણય કરશે. એક તરફ સરકાર 100% ઈથોનોલ આધારિત ઈંધણ પોલીસી પર આગળ વધી રહી છે. તે વચ્ચે ગડકરીનું આ વિધાન મહત્વનું છે.
ખાસ કરીને મોંઘી લકઝરી કાર માટે 100% જે હાઈસ્પીડ-પેટ્રોલ હાલ ઉપલબ્ધ છે તે યથાવત રહી શકે છે. શ્રી ગડકરીએ કહ્યું કે તેઓ હંમેશા વૈકલ્પિક ઈંધણને તરફેણમાં રહ્યા છે અને ફકત ઈથેનોલ જ નહી પણ હાઈડ્રોજન, ઈલેકટ્રીક વાહનોને પણ મહત્વ આપે છે.
જો કે સરકારના દાવો છે કે, તેના દ્વારા ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ માટેના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રૂા.1 લાખ કરોડનું રોકાણ કર્યુ છે તેથી હવે તેમાં પરત જવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓએ કહ્યું કે ભારત ક્રુડતેલનો મોટો આયાતકાર દેશ છે અને તેના વિકલ્પમાં ઈથેનોલ એ મહત્વનું ઈંધણ સાબીત થઈ શકે છે.
તેઓએ દાવો કર્યો કે, ફરી શેરડીમાંથી જ ઈથેનોલને અગ્રતા અપાતી નથી. શરૂઆત મકાઈથી થઈ હતી. પાનીપતમાં પરાલીમાંથી ઈથેનોલ બનશે. આસામમાં વાંસમાંથી અને અનેક સ્થળોએ ચોખામાંથી ઈથેનોલ બને છે.
તેઓએ દાવો કર્યો કે, બ્રાઝીલ દશકામાંથી ઈથેનોલનો ઉપયોગ કરે છે તેને કોઈ સમસ્યા નથી. ઈન્ડોનેશિયા-થાઈલેન્ડ પર બાયોફયુલનો ઉપયોગ કરે છે. ભારતે પણ તે તરફ જવું પડશે.
મારા પરિવારનો ઈથેનોલ વ્યાપાર ખુબ નજીવો : ખોટી રીતે બદનામ કરાય છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતીન ગડકરીએ તેમનો પરિવાર ઈથેનોલ બિઝનેસમાં હોવાથી આ પોલીસીનો પ્રચાર થઈ રહ્યો છે તેને રાજકીય ગણાવતા કહ્યું કે તેના પુત્રોનો ઈથેનોલના વ્યાપારમાં બહું ઓછો હિસ્સો છે અને તેમની કમાણી પર કોઈ મોટી અસર થતી નથી.
તેઓએ બચાવ કર્યો કે તેમના પરિવારના વ્યાપાર પર રૂા.1600 કરોડનું દેવું પણ હતું. તેઓએ દાવો કર્યો કે મારા પરિવાર પાસે પહેલાથી જ ખાંડમીલો છે જે વ્યાપાર મારા પુત્રો ચલાવે છે. ઈથેનોલ બ્લેડીંગની નીતિ પેટ્રોલીયમ મંત્રાલયની છે.
તેમાં મારી કોઈ ભૂમિકા નથી. મારા પુત્રોના વ્યવસાયમાં ઈથેનોલનો વ્યાપાર ફકત 10% છે અને પુરા દેશના ઈથેનોલ બીઝનેસમાં તેની હીસ્સેદારી 0.5% થી પણ ઓછી છે. જયારે તેની સંપતિ પર 1600 કરોડનું દેવું પણ હતું.

