Surendranagar, તા.18
ઝીંઝુવાડા ગામે એક શખશે રાત્રે અહીંથી કેમ નીકળે છે, એમ કહી યુવાન પર છરી વડે ઘાતક હુમલો કરતા યુવાનને આઠ ટાંકા આવ્યા હતા. વધુમાં ઉશ્કેરાયેલા શખશે યુવાનને નીચે પાડી દઈ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા 35 વર્ષના લાલભા કનુભા ઝાલાએ ઝીંઝુવાડા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલા વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ લાલભા કનુભા ઝાલા ઝીંઝુવાડા ગામના ગેટથી લૂણી વિસ્તારમાં આવેલા પોતાના ઘર તરફ ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે ડેમ પાસે એના જ કુટુંબી ભાઈ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલાએ તું અડધી રાત્રે અહીંથી કેમ નીકળે છે, એમ કહી ઉશ્કેરાઈ જઈને જેમફાવે તેમ ગાળો આપી નેફામાંથી છરી કાઢી માથાની જમણી બાજુ છરીના બે ઘા ઝીંકી દીધા હતા.
વધુમાં આ શખશ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલાએ યુવાન લાલભા કનુભા ઝાલાને ડાબા સાથળના ભાગે પાટુ મારવાની સાથે જમીન પર પાડી દઈ જમીન પર પડેલા પથ્થર વડે ડાબા હાથના ખંભા પાસે હુમલો કર્યો હતો. બાદમાં આડેધડ ઢીંકા પાટુનો મારી મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. બીજીબાજુ લાલભા કનુભા ઝાલાને છરીના હુમલાથી માથામાં લોહી નીકળતા રાડબુમને દેકારો સાંભળી આજુબાજુમાંથી લોકો ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં આ યુવાનને લોહીલુહાણ હાલતમાં એના પરિવારજનો ઇકો ગાડીમાં તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.
જ્યાં ફરજ પરના હાજર તબીબે લાલભા કનુભા ઝાલાના માથામાં આઠ ટાંકા લેવાની સાથે સારવાર કરી પાટો બાંધી દીધો હતો. બાદમાં આ બનાવ અંગે ઝીંઝુવાડા ગામે રહેતા 35 વર્ષના લાલભા કનુભા ઝાલાએ ઝીંઝુવાડા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલા વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝીંઝુવાડા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પોલીસ મથકના આર.એમ.પરમાર ચલાવી રહ્યાં છે.

