Surendranagar, તા.18
કેન્દ્ર સરકારના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ મારફત વર્ષ 2015 પહેલાના જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારા કરવા તેમજ નવા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની ગઈ છે. આ જટિલ નિયમોને કારણે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય શાખામાં હાલની સ્થિતિએ 2660 થી વધુ અરજીઓનો મોટો ખડકલો થઈ ગયો છે.0
જિલ્લાની એકમાત્ર કચેરી પર સમગ્ર જિલ્લાનો ભાર આવી જતાં સામાન્ય નાગરિકોને પોતાના હક્કના પ્રમાણપત્રો મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહી લમણાઝીંક કરવાનો વારો આવ્યો છે. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલના અમલીકરણ બાદ વર્ષ 2015 પહેલાના દાખલાઓમાં કોઈપણ સુધારો કે નવી મંજૂરી માટે જિલ્લા રજીસ્ટ્રાર જિલ્લા આરોગ્ય અધિકારીની ઓનલાઇન ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે.
આ કારણે જિલ્લાની 4 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 570ગ્રામ પંચાયતોના તમામ અરજદારોની અરજીઓ વેરિફિકેશન માટે એક જ કચેરી જિલ્લા આરોગ્ય શાખા ખાતે જમા થાય છે. હાલ ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અધિકારીઓ ફિલ્ડની કામગીરીમાં વ્યસ્ત હોય છે.
આ વ્યસ્તતા વચ્ચે પણ કચેરી દ્વારા રોજની આશરે 150 જેટલી અરજીઓ વેરિફાય કરવામાં આવે છે, પરંતુ તેની સામે રોજ એટલી જ નવી અરજીઓ ઓનલાઇન આવી જતી હોવાથી પેન્ડિંગ કેસો ઘટવાનું નામ લેતા નથી.

