બંને નેતાઓ વડિયા સીવીલ હોસ્પિટલમાં દાખલ, રાજકીય માહોલ ગરમાયો
Amreli તા.૨૨
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણી માં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે વરણી થતા તોરી ગામના સરપંચ પદનો ચાર્જ ઉપ સરપંચ પરેશભાઈ કોટડીયા ને સોપાવામાં આવતા હાલ તોરી ગ્રામપંચાયત નુ સુકાન તેઓ સંભાળી રહ્યા છે. બપોર બાદ ના સમયે તોરી ગામમાં વિકાસ કર્યો ચાલતા હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરીયા અને સરપંચ પરેશભાઈ કોટડીયા તોરી ગામે હાજર હતા ત્યારે બંને વચ્ચે ગ્રામપંચાયત ખાતે ધીંગાણાની ઘટના ઘટી હતી અને ગ્રામપંચાયત કચેરીમાં બંને નેતાઓ વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા ભર્યા ની ઘટનાઓ સામે આવી હતી. આ બાબત ની જાણ સ્થાનિકોને થતા મામલો વધુ ગરમાયો હતો. બંને નેતાઓ ધીંગાણા માં ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મારફતે વડિયા સીવીલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ વડિયા પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી. જોકે સરપંચ પરેશભાઈ કોટડીયા ને વધુ ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે જેતપુર રીફર કરવામા આવ્યા હતા. આ તકે બંને નેતાઓના જગડાના સમાચાર સમગ્ર પંથક માં ફેલાતા વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે બંને નેતાઓના સમર્થકો ઉમટ્યા હતા.

