અકસ્માતમાં ઘવાયેલા પ્રોઢએ સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક
Rajkot તા.૨૩
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આધેડ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ કનસુમરા પાટીયા પાસે અચાનક મોટરસાયકલ સ્લિપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચવાના કારણે આધેડનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રફિકભાઈ દોષમોહમ્મદ હુમલા (ઉં.વ. ૪૦) ગત તારીખ ૧૭ જુલાઈના રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કનસુમરા પાટીયા પાસેથી પસાર થતી વખતે કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લિપ થઈ ગયું હતું. અકસ્માતમાં રફિકભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને ત્વરિત બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન તેઓએ દમ તોડી દીધો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

