દાતાશ્રીઓ અને સેવાભાવી ભક્તોનું થયું સન્માન
Surendranagar તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ભગવાનનું ગામ તરીકે જાણીતા સાયલામાં આવેલી શ્રી લાલજી મહારાજની જગ્યાએ ભક્તો માટે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી રાંધણશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. જોકે, મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવી મંદિર ટ્રસ્ટ અને ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી લાલજી મહારાજની જગ્યાએ વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી રાંધણશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા રસોડામાં એકસાથે મોટી સંખ્યામાં પ્રસાદ તૈયાર કરી શકાશે, જેના કારણે દૂર-દૂરથી આવતા ભક્તોને વધુ સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત પ્રસાદ સેવા મળી શકશે.
કાર્યક્રમ દરમિયાન મંદિર પરિવાર દ્વારા દાતાશ્રીઓ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા ભક્તોનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરના વિકાસ અને સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓ અને સેવાભાવી ભક્તો પ્રત્યે મંદિર પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
આ શુભ લોકાર્પણ કાર્યક્રમ ૨૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, મહાનુભાવો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ આશીર્વચન આપી સૌને સેવા, ભક્તિ અને સમાજકલ્યાણના માર્ગૅ આગળ વધવા પ્રેરણા આપી હતી. સાયલાની શ્રી લાલજી મહારાજની જગ્યાએ નવી રાંધણશાળાનું લોકાર્પણ માત્ર એક ઈમારતનું ઉદૃઘાટન નહીં, પરંતુ ભક્તોની સેવાને વધુ સશક્ત બનાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ નવી સુવિધાથી ભવિષ્યમાં હજારો ભક્તોને વધુ સુવ્યવસ્થિત પ્રસાદ સેવા ઉપલબ્ધ બનશે.

