Ahmedabad,તા.૨૮
અમદાવાદના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ નિલય જશભાઈ પટેલને મુંબઈ પોલીસે દિલ્હીની એક યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મઅને જાતીય સતામણીના ગંભીર આરોપોમાં ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને ૨૯ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ, નિલય પટેલ વ્યાવસાયિક કામકાજ માટે મુંબઈ ગયો હતો અને એરપોર્ટ નજીક આવેલી એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો. તે જ હોટલમાં દિલ્હીની એક પરિચિત યુવતી પણ અલગ રૂમમાં રોકાઈ હતી. ફરિયાદ અનુસાર, ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે ૩ઃ૩૦ વાગ્યે નિલય પટેલ યુવતીની મંજૂરી વિના તેના રૂમમાં પ્રવેશ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે તેણે અશ્લીલ હરકતો કરી, શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો અને બળજબરીપૂર્વક નજીક આવવાનો પ્રયાસ કર્યો. યુવતીએ વિરોધ કરતાં આરોપીને રૂમની બહાર કાઢી મૂક્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ ઘટનાના બાદ પણ આરોપીએ યુવતીને સતત ફોન કોલ અને મેસેજ કરીને હેરાનગતિ ચાલુ રાખી હતી. યુવતીના જણાવ્યા મુજબ, ૨૨ જુલાઈએ આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ ૨૩ જુલાઈની રાત્રે યુવતીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪, ૭૪, ૭૫(૨), ૭૬ અને ૩૩૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે ૨૪ જુલાઈએ નિલય પટેલની ધરપકડ કરી હતી.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૨૯ જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હાલમાં હોટલના ઝ્રઝ્ર્ફ ફૂટેજ, હોટલ સ્ટાફના નિવેદનો, ડિજિટલ કમ્યુનિકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

