મિતાલીબા જાડેજાએ સ્કૂલેથી આવ્યા બાદ આત્મઘાતી પગલું ભર્યું; કારણ અકબંધ
Rajkot,તા.28
શહેરના ૧૫૦ ફીટ રિંગ રોડ પર આવેલા સદગુરુ પાર્ક વિસ્તારમાં ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સ્કૂલેથી પરત આવ્યા બાદ બપોરે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રપ્ત વિગત મુજબ, સદગુરુ પાર્ક, ૧૫૦ ફીટ રિંગ રોડ (બેંક પાછળ) ખાતે રહેતી મિતાલીબા પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉં.વ. ૧૮) બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક મિતાલીબા ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તે સ્કૂલેથી ઘરે આવ્યા બાદ આ અંતિમ પગલું ભરી લીધું હતું. મિતાલીબાના માતા સુમિત્રાબા બહારથી ઘરે પરત આવ્યા ત્યારે પુત્રીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક મિતાલીબા બે બહેનોમાં નાની હતી અને તેની માતા સુમિત્રાબા સાથે રહેતી હતી, જ્યારે તેના પિતા વર્ષોથી અલગ રહે છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

