નવી મોખાણા ગામે વહેલી સવારે મારણની લાલચે પાંજરામાં ફસાયો; ગ્રામજનો અને વન વિભાગે લીધો રાહતનો શ્વાસ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૧
જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે ગુરુવારે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો. ખાસ પ્રકારનું મારણ મૂકવામાં આવતા દીપડો શિકારની લાલચે પાંજરામાં પ્રવેશતા જ ફસાઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી માટે વનખાતામાં ખસેડ્યો હતો.
છેલ્લા દોઢ મહિનાથી નવી મોખાણા ગામ, તેની સીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી. અનેક સ્થળોએ તેના પગલાં મળી આવ્યા હતા, જ્યારે એકાદ પશુનું મારણ કર્યું હોવાના પુરાવા પણ મળ્યા હતા. દીપડાની હાજરીને કારણે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ છવાયેલો હતો અને લોકો સાંજ પડતા જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. ખેડૂતો પણ ખેતરમાં જતાં પહેલાં સાવચેતી રાખવા મજબૂર બન્યા હતા.દીપડાને પકડવા માટે જામનગર વન વિભાગે અલગ-અલગ સ્થળોએ ત્રણથી વધુ પાંજરાં ગોઠવ્યા હતા. અગાઉ બે-ત્રણ વખત દીપડો પાંજરા સુધી આવીને પણ સાવચેત રહેતાં પાછો ફરી જતો હતો, જેના કારણે તેને પકડવામાં સફળતા મળતી ન હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ છેલ્લા ઘણા દિવસોથી દિવસ-રાત ઉજાગરા કરીને દીપડાની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા.
આખરે આજે વહેલી સવારે મારણની લાલચે દીપડો પાંજરામાં પ્રવેશતાં જ પાંજરું બંધ થઈ ગયું અને વન વિભાગની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી સફળ રહી હતી. દીપડો અત્યંત ખૂંખાર સ્વભાવનો હોવાનું તેમજ વારંવાર ગર્જના કરતો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
દીપડો પકડાઈ જતાં છેલ્લા કેટલાય દિવસોથી અજંપા અને ભય વચ્ચે જીવતા નવી મોખાણા સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સતત ઉજાગરા અને ભારે જહેમત ઉઠાવી રહેલા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ સફળ કામગીરી બાદ હાશકારો અનુભવ્યો છે. હવે સમગ્ર વિસ્તારમાં ફરી સામાન્ય સ્થિતિ સર્જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

