(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૧
Jamnagar જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક બુટલેગર સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ કાર્યવાહી કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા દીપકભાઈ જમનાદાસ જેઠવાણી (રહે. પંચવટી સોસાયટી, ખેતલા બાપા હોટલ પાછળ, રણજીતસાગર રોડ, જામનગર) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા (આઈએએસ) સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ જારી કર્યો હતો.
આ વોરંટની અમલવારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા હીરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર અને સુરેશભાઈ માલકીયાએ કરી હતી. અટકાયતી દીપક જેઠવાણી સામે અગાઉ પ્રોહિબિશનના ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.પાસાની કાર્યવાહી બાદ આરોપીને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા એલસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.

