Rajkot તા.1
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા.2ને રવિવારના બપોરે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય મુખ્યમંત્રીને આવકારવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં આવતીકાલે બપોરના 4 વાગ્યે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ તેઓ સાડા પાંચ કલાકનું રોકાણ કરનાર છે. આ દરમ્યાન તેઓ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ રાજકોટની મુલાકાત દરમ્યાન ભરચકક કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. જેમાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા 4-30 વાગ્યે પેડક રોડ પર આવેલા સેટેલાઈટ ચોક સ્થિત અટલબિહારી બાજપેયી ઓડીટોરીયમ ખાતે આયોજીત કરાયેલા વિશેષ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજીત કરાયેલા ખાસ સમારોહમાં રાજકોટ મ્યુ.કોર્પો. અને સૌ.યુનિ.ના રૂા.200 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જેમાં મોટામવા-મુંજકાના પમ્પીંગ હાઉસ, રૈયા રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે 150 ટીડીપીના મટીરીયલ રીકવરી ફેસેલીટી પ્લાંટ, વોર્ડ નં.9ના મુંજકા વિસ્તારના આર્ષ વિદ્યા મંદિર પાસે નવા બ્રીજનું નિર્માણ, વોર્ડ નં.9ના પમ્પીંગ સ્ટેશન, વોર્ડ નં.11ના આરોગ્ય કેન્દ્ર, નવી વોર્ડ ઓફીસ, વોર્ડ નં.16ના સીસી રોડ પરના પેવીંગ બ્લોક અને ગટરનું નિર્માણ સહિતના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે.
તેની સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્યુનીટી હોલ, લાઈબે્રરી અને આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું લોકાર્પણ પણ તેઓના હસ્તે કરાશે. સૌ.યુનિ. ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વયોશ્રી યોજના હેઠળ 800થી વધુ વરિષ્ઠ નાગરીકોને જીવન સહાયક ઉપકરણો પણ આપવામાં આવનાર છે. ત્યારબાદ તેઓ છેલ્લે બિલ્ડીંગ એસો.ના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે હિરાસર એરપોર્ટ ખાતે પહોંચી ખાસ એરક્રાફટ મારફતે અમદાવાદ જવા રવાના થનાર છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય તેઓને આવકારવા માટે ભાજપના હોદેદારો અને નગરજનોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આ કાર્યક્રમ અંગેની તમામ તૈયારીઓને જીલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપી દેવામાં આવેલ છે.
મુખ્યમંત્રીનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ
► બપોરે 3ઃ00 કલાકે ગાંધીનગર નિવાસથી એરપોર્ટ રવાના
► બપોરે 3ઃ30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા પ્રસ્થાન
► સાંજે 4ઃ00 કલાકે હીરાસર એરપોર્ટ ખાતે આગમન
► સાંજે 4ઃ30 કલાકે પુજીત રૂપાણક્ષ મેમો.ટ્રસ્ટ કાર્યક્રમમાં હાજરી
► સાંજે 6ઃ00 કલાકે સૌ.યુનિ. ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત
► સાંજે 7ઃ15 કલાકે વિશ્વા પાર્ટી પ્લોટ કાર્યક્રમમાં ઉપસ્થિતિ
► રાત્રે 8ઃ30 કલાકે હીરાસર એરપોર્ટથી અમદાવાદ રવાના
► રાત્રે 9ઃ00 કલાકે અમદાવાદ, એરપોર્ટમાં આગમન
► રાત્રે 9ઃ20 કલાકે એરપોર્ટથી ગાંધીનગર નિવાસસ્થાન.

