Nagpur, તા. 3
વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA)ની ટીમમાં પસંદગી ન થવાથી કથિત રીતે નિરાશ 17 વર્ષીય ક્રિકેટર અદિતિ મોરેશર ચોકંડેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
પોલીસને ઘટનાસ્થળેથી એક કથિત સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે તેનાં ભાઈનાં નામે સંદેશ લખ્યો છે, `મારી પસંદગી થઈ શકી નથી, પરંતુ તારી થઈ ગઈ છે. તું સારૂં રમજે, હું આજીવન તારી સાથે રહીશ.’ જોકે, પોલીસનું કહેવું છે કે આત્મહત્યાનાં ચોક્કસ કારણોની પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
પોલીસનાં જણાવ્યાં અનુસાર, આ ઘટના બુધવારે સવારે લક્ષ્મી નગર વિસ્તારમાં જૈન મંદિર પાસે આવેલાં એક એપાર્ટમેન્ટમાં બની હતી. માતા સવારે ઉઠી, તો તેણે અદિતિને રસોડામાં લટકતી હાલતમાં જોઈ. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અદિતિ છેલ્લા બે વર્ષથી તેની માતા સાથે નાગપુરમાં રહીને ક્રિકેટની તાલીમ લઈ રહી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પસંદગી ન થવાને કારણે તે માનસિક તણાવમાં હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે ઘટના સમયે અદિતિનો ભાઈ બે-ત્રણ દિવસ માટે શહેર બહાર ગયો હતો. તાજેતરમાં જ તેનાં ભાઈની VCA ટીમમાં પસંદગી થઈ હતી.

