Mumbai, તા. 3
ભારતીય શેરબજારમાં આજથી ટ્રેડિંગ બંધ થવાનાં સમય અને સ્ટોકના આખરી બંધ ભાવ (ક્લોઝિંગ પ્રાઈસ) નક્કી કરવાની પદ્ધતિમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર લાગું થઈ ગયો છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીના નવા પરિપત્ર મુજબ હવે બજાર દિવસનાં અંતે ત્રણ અલગ-અલગ સમયરેખામાં વહેંચાઈ જશે. જે હેઠળ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)માં સામેલ શેરો માટે સતત ટ્રેડિંગ બપોરે 3ઃ15 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે અન્ય શેરો 3ઃ30 વાગ્યા સુધી અને ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ સાંજે 3ઃ40 વાગ્યા સુધી ટ્રેડ થઈ શકશે. આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ બજારમાં પ્રાઈસ ડિસ્કવરી સુધારવાનો અને છેલ્લી ઘડીએ થતી ભાવની હેરાફેરી અટકાવવાનો છે.
બજાર બંધ થવાની ત્રણ નવી સમયરેખા અને વાસ્તવિક ફેરફાર
નવી સિસ્ટમ હેઠળ F&O સગવડ ધરાવતા શેરોમાં બપોરે 3ઃ15 વાગ્યે સતત ટ્રેડિંગ અટકી જશે, પરંતુ આ શેરો બજારમાંથી સંપૂર્ણપણે બંધ થઈ જતા નથી. 3ઃ15 વાગ્યાથી 3ઃ35 વાગ્યા સુધી 20 મિનિટનું ‘ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) ચાલશે, જેના અંતે સ્ટોકનો સત્તાવાર બંધ ભાવ નક્કી થશે.
તેની સામે F&O લિસ્ટમાં ન હોય તેવા તમામ સામાન્ય શેરોમાં અગાઉની જેમ જ બપોરે 3ઃ30 વાગ્યા સુધી સામાન્ય ટ્રેડિંગ ચાલું રહેશે. આ સિવાય સ્ટોક અને ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ સાંજે 3ઃ40 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે. પ્રાથમિક તબક્કામાં નવી ઓક્શન પદ્ધતિ માત્ર F&O વાળા શેરો પર જ લાગું કરવામાં આવી છે, જ્યારે નોન-FO શેરોમાં જૂની પદ્ધતિ જ યથાવત રહેશે.
બપોરે 3ઃ15 વાગ્યા પછી ઓક્શન સેશનની તબક્કાવાર પ્રક્રિયા
બપોરે 3ઃ00 થી 3ઃ15 વાગ્યા વચ્ચે થયેલાં સોદાના VWAP ના આધારે એક્સચેન્જ એક ‘રેફરન્સ પ્રાઈસ’ નક્કી કરશે, જેના આધારે +/- 3 ટકાની પ્રાઈસ બેન્ડ નક્કી થશે. બપોરે 3ઃ15 વાગ્યે સતત ટ્રેડિંગ અટકશે અને 3ઃ20 સુધી 5 મિનિટનો ટ્રાન્ઝિશન ગાળો રહેશે જેમાં કોઈ નવા ઓર્ડર સ્વીકારાશે નહીં. જૂના લિમિટ ઓર્ડર ઓક્શનમાં જશે, પરંતુ સ્ટોપ લોસ, આઈસબર્ગ અને પ્રાઈસ બેન્ડ બહારના ઓર્ડર રદ થશે. 3ઃ20 થી 3ઃ25 વચ્ચે રોકાણકારો માર્કેટ અને લિમિટ ઓર્ડેર મૂકી શકશે.
જે દરમિયાન એક્સચેન્જ સંભવિત ઈક્વિલિબ્રિયમ ભાવ અને ઓર્ડરની વિગતો દર્શાવશે. 3ઃ25 થી 3ઃ30 દરમિયાન માત્ર લિમિટ ઓર્ડર મુકી શકાશે અને અગાઉનાં માર્કેટ ઓર્ડર રદ કે મોડિફાય થઈ શકશે નહીં.
છેલ્લી ક્ષણે ધસારો રોકવા 3ઃ28 થી 3ઃ30 વચ્ચે સિસ્ટમ આપમેળે રેન્ડમ ક્લોઝ કરશે. ત્યારબાદ 3ઃ30 થી 3ઃ35 દરમિયાન એક્સચેન્જ ઓર્ડર મેચિંગ પ્રક્રિયા કરીને આખરી બંધ ભાવ જાહેર કરશે.
સૌથી વધુ ટ્રેડિંગ વોલ્યુમના આધારે બંધ ભાવ
ઓક્શન દરમિયાન આખરી બંધ ભાવ એવો ઈક્વિલિબ્રિયમ ભાવ બનશે જ્યાં સૌથી વધુ સંખ્યામાં શેરોનું એક્ઝિક્યુશન (ટ્રેડિંગ) થઈ શકતું હોય. જો એકથી વધુ ભાવ પર સમાન વોલ્યુમ નીકળે, તો જે ભાવમાં સૌથી ઓછા અનમેચ્ડ (બાકી) ઓર્ડર રહે તે ભાવ પસંદ કરાશે.
તેમાં પણ સરખાપણું રહે તો રેફરન્સ પ્રાઈસની સૌથી નજીકનો ભાવ પસંદ થશે અને જો કોઈ ઈક્વિલિબ્રિયમ ભાવ ન નીકળે તો રેફરન્સ પ્રાઈસ જ આખરી ભાવ ગણાશે. ઓર્ડર એક્ઝિક્યુશનમાં લિમિટ ઓર્ડર કરતા માર્કેટ ઓર્ડરને પ્રથમ પ્રાધાન્ય અપાશે. ઓક્શનમાં મુકાયેલા ઓર્ડર તરત રનિંગ માર્કેટની જેમ સોદામાં નહીં ફેરવાય, પરંતુ ઓક્શન પૂરું થયા બાદ જ એક સરખા ભાવે પ્રોસેસ થશે.
ઈન્ટ્રાડે ટ્રેડર્સ અને ઓટો સ્ક્વેર-ઓફ સમયમાં ફેરફાર
ઈન્ટ્રાડે (MIS) ઓર્ડરનો ઉપયોગ કરતાં ટ્રેડર્સ માટે બ્રોકર્સ દ્વારા સેટ થતાં ઓટો સ્ક્વેર-ઓફ સમયમાં ફેરફાર થયો છે. હવેથી CAS ધરાવતાં F&O શેરો માટે ઓટો સ્ક્વેર-ઓફ સમય બપોરે 3ઃ10 વાગ્યે રહેશે. જ્યારે નોન-CAS શેરો તેમજ ઈન્ડેક્સ અને સ્ટોક ડેરિવેટિવ્ઝ માટે ઓટો સ્ક્વેર-ઓફ સમય બપોરે 3ઃ25 વાગ્યે રહેશે.
F&O કોન્ટ્રાક્ટ્સ પોતે ઓક્શનમાં પ્રવેશતાં ન હોવાથી તેઓ 3ઃ40 સુધી સામાન્ય રીતે ટ્રેડ થશે. આ સિવાય સાંજે 3ઃ50 થી 4ઃ00 વાગ્યા દરમિયાન પોસ્ટ-ક્લોઝ કેશ માર્કેટ સેશન યોજાશે, જેમાં નક્કી થયેલા આખરી બંધ ભાવ પર જ ટ્રેડિંગ કરી શકાશે.

