New Delhi તા. 4
વર્ષ 2027ની જનગણનાનો બીજો તબક્કો 17 ઓગસ્ટથી શરૂ થશે. આ જનગણનામાં 1931 પછી પહેલીવાર લોકોની જ્ઞાતિ પણ નોંધવામાં આવશે. આ ઉપરાંત, લોકોનાં માતા-પિતાની જન્મ તારીખ અને જન્મ સ્થળની માહિતી પણ નોંધવામાં આવે તેવી શક્યતા છે. જનગણના દરમિયાન જે લોકો પાસે પાસપોર્ટ હશે, તેમનો પાસપોર્ટ નંબર પણ લઈ શકાય છે. આધાર નંબર માત્ર સ્વેચ્છાએ જ આપી શકાશે.
ક્યાં અને ક્યારથી શરૂ થશે બીજો તબક્કો?
ગૃહ મંત્રાલયે સોમવારે એક અધિસૂચના બહાર પાડી છે. તેમાં મંત્રાલયે જણાવ્યું છે કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં જનગણનાનો બીજો તબક્કો 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ પહેલા 17 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી લોકો પોતે પણ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. આનો અર્થ એ છે કે જનગણનાના બીજા તબક્કાની પ્રશ્નાવલી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
જ્ઞાતિ કેવી રીતે નોંધવામાં આવશે?
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, વ્યક્તિ જે જ્ઞાતિ પોતે બતાવશે તે જ નોંધવામાં આવશે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે એક યાદી (ડ્રોપ-ડાઉન મેનૂ) હશે, જ્યારે ‘જ્ઞાતિ’ માટેનો એક અલગ કોલમ માત્ર એવા લોકો માટે હશે જેઓ જઈ અથવા ST શ્રેણીમાં નથી આવતાં.
શું જ્ઞાતિનું પ્રમાણપત્ર બતાવવું પડશે?
ડ્રોપ-ડાઉન મેનૂમાં માત્ર તે જ રાજ્યની SC અને STની યાદી બતાવવામાં આવશે, જ્યાં વ્યક્તિની જનગણના થઈ રહી હશે. વ્યક્તિ પોતાની જ્ઞાતિનું જે નામ જણાવશે, તેને તે જ રીતે લખવામાં આવશે. પોતાની SC, ST કે અન્ય જ્ઞાતિ સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો દસ્તાવેજ કે જાતિ પ્રમાણપત્ર બતાવવાની જરૂર રહેશે નહીં.
45 હજાર જ્ઞાતિઓનો ડેટા કેવી રીતે સંભાળવામાં આવશે?
એક અધિકારીએ જણાવ્યું કે 2011ની સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત જનગણના (SECC)માં લોકોએ પોતે પોતાની જ્ઞાતિ જણાવી હતી. તેનાથી 45 હજારથી વધુ અલગ-અલગ જ્ઞાતિઓના નામ સામે આવ્યાં હતા.
આટલાં મોટા આંકડાઓનો સાચો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો હતો. પરંતુ આ વખતે ડિજિટલ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી આ આંકડાઓને વ્યવસ્થિત કરવા અને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવા સરળ બનશે.
માતા-પિતાના જન્મની માહિતી શા માટે લેવામાં આવશે?
બીજા તબક્કામાં પહેલીવાર લોકોનાં માતા-પિતાની જન્મ તારીખ અને જન્મ સ્થળની માહિતી પણ લેવામાં આવશે. આ બંને બાબતો નાગરિકતા નક્કી કરવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2011ની જનગણના સાથે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)નું કામ પણ કરવામાં આવ્યું હતું.
તેને 2021ની જનગણના સાથે ફરીથી કરવાનું હતું, પરંતુ બાદમાં તેને ટાળી દેવામાં આવ્યું હતું. હવે તેને 2027ની જનગણનાથી અલગ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2010માં NPR દરમિયાન લોકો પાસેથી તેમની રાષ્ટ્રીયતા વિશે પણ માહિતી લેવામાં આવી હતી. પરંતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આનાથી કોઈને નાગરિકતાનો અધિકાર નહીં મળે.
શું કોઈ દસ્તાવેજ આપવો પડશે?
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, લોકો પાસેથી તેમના માતા-પિતાની જન્મ તારીખ કે જન્મ સ્થળનો કોઈ પુરાવો માંગવામાં આવશે નહીં. વ્યક્તિને જે માહિતી જેટલી સાચી ખબર હશે, તેના આધારે જ નોંધવામાં આવશે.
જો કોઈને પોતાના માતા-પિતાની પૂરી જન્મ તારીખ ન ખબર હોય અને માત્ર જન્મનું વર્ષ ખબર હોય, તો તે વર્ષની 1 જાન્યુઆરીને જન્મ તારીખ માનીને નોંધવામાં આવશે.

