New Delhi, તા.4
સોશિયલ મીડીયા, અલ્ગોરિધમ અને મીડીયા ટ્રાયલ કેવી રીતે ન્યાયપાલિકા પર અસર કરી રહી છે, તેને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોયમાલ્યા બગચીએ ઉંડી ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે સોશિયલ મીડીયાએ ન્યાયને `લાઈકસ’ના બજારમાં ફેરવી નાખ્યો છે.
1 ઓગષ્ટે સીએએન ફાઉન્ડેશન દ્વારા આયોજીત પાંચમા જસ્ટીસ એચ.આર.ખન્ના મેમોરિયલ નેશનલ સિમ્પોઝીયમમાં બોલતા જસ્ટીસ બાગચીએ કહ્યું હતું કે આજે ન્યાયિક સ્વતંત્રતા સામે સૌથી મોટો પડકાર ભ્રામક માહિતી અને અલ્ગોરિધમ સંચાલીત કન્ટેન્ટ છે. આ બાબતે કોઈ કેસનો ફેસલો આવતા પહેલા જ જજોની પરીક્ષા લઈ રહી છે અને જનતાના અભિપ્રાયને અસર કરી રહી છે.
જસ્ટીસ બાગચીએ સોશિયલ મીડીયા પર જજોને નિશાન બનાવવાને લઈને સખ્ત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ ન્યાયને લાઈકસની વેદી પર હરાજી કરી દેવામાં આવે છે. જો કોઈ જજ પોતાનું સ્વતંત્ર મંતવ્ય રાખે છે તો વિચાર્યા વિના કામ કરનારી ભીડને પસંદ નથી આવતું તો સોશિયલ મીડીયાના બજારમાં તેને ખલનાયક કે રાક્ષસ બનાવી દેવામાં આવે છે.
અદાલતી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમીંગ પર વાત કરતા જસ્ટીસ બાગચીએ કહ્યું હતું કે પારદર્શિતાની સાથે-સાથે તેના કેટલાક અનિચ્છનીય પરિણામો આવ્યા છે. ડિજીટલ સ્પેસમાં અદાલતી કાર્યવાહીના આવા અનધિકૃત વિડીયો કલીટસ ભરેલા પડયા છે, જેને લાઈવ સ્ટ્રીમથી કોપી કરવામાં આવ્યા છે.
બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે બંધારણની કલમ 121 સંસદને પણ કોઈ જજના આચરણ પર ચર્ચા કરવા રોકે છે, પરંતુ ડિજીટલ દુનિયાના `પબ્લીક સ્કવેર’ દરરોજ જજોની ટ્રાયલ કરે છે .
નિષ્પક્ષ ફેસલો સંભળાવનાર જજને પણ ઓનલાઈન ખોટો ઠેરવવામાં આવે છે. બાગચીએ કહ્યું હતું કે મીડીયાની સ્વતંત્રતાનો મતલબ ફેસલો આવે તે પહેલા જ કોઈને દોષિત ઠેરવવાનું લાયસન્સ નથી. મીડીયા ટ્રાયલ કે વાયરલ કલીપમ કોર્ટની અવગણનાની ક્ષેત્રમાં પરખવું જોઈએ. કારણ કે આ ન્યાયિક કાર્યવાહીમાં દખલગીરી છે.

