આરોપી નિખિલ રાજેશભાઈ ખલાસ ઇ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની આઇટી કંપનીમાં હેડ ઓફ સપોર્ટ બિડિંગ ડિવિઝન તરીકે નોકરી કરતો હતો
Ahmedabad,તા.૫
અમદાવાદનીકંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર મુખ્ય આરોપી નિખિલ ખલાસને એલિસબ્રિજ પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરી, મૂળ બીડરના બદલે પોતાના કે મળતિયાઓના બેંક ખાતા સેવ કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી. ટેકનોલોજીનો જાણકાર હોવાથી તે વિવિધ રાજ્યોમાં છુપાતો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ એનાલિસિસથી તેને ઝડપી પાડ્યો. પોલીસે ૬૧.૪૪ લાખ ફ્રીઝ કર્યા છે.
અમદાવાદની એક આઇટી કંપનીમાં પોતાના એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને રૂપિયા ૧.૫૬ કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર મુખ્ય આરોપીને એલિસબ્રિજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-૭ની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પોલીસથી બચવા માટે ઘણા સમયથી પોતાની ડિજિટલ ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો.
આરોપી નિખિલ રાજેશભાઈ ખલાસ ઇ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની આઇટી કંપનીમાં હેડ ઓફ સપોર્ટ બિડિંગ ડિવિઝન તરીકે નોકરી કરતો હતો. તેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો અને સિસ્ટમમાં મૂળ બીડરના બેંક એકાઉન્ટની જગ્યાએ પોતાનું અને મળતિયાઓનું એકાઉન્ટ સેવ કરી કંપની સાથે કુલ રૂપિયા ૧,૫૬,૬૫,૨૧૧ની છેતરપિંડી કરી હતી.
આ અંગે એલિસબ્રિજ પોલીસ મથકે ગત ૧૯ મેના રોજ ગુનો નોંધાયો હતો. આરોપી ટેક્નોલોજીનો જાણકાર હોવાથી આરોપી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત પોતાનું લોકેશન બદલીને છુપાતો હતો.
ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુરતના કતારગામ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસની ટીમે સુરત પહોંચીને વોચ ગોઠવી આરોપી નિખિલ ખલાસને ઝડપી લીધો હતો. આ ગુનામાં પોલીસે ડિજિટલ ટ્રેલ મેળવીને અગાઉથી જ રૂપિયા ૬૧,૪૪,૩૫૬ની રકમ ફ્રીઝ કરાવી દીધી છે. આરોપી પાસેથી કુલ રૂપિયા ૨૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૩ મોબાઇલ ફોન અને ૧ લેપટોપ સામેલ છે. બાકીની રકમ કબજે કરવા માટે હાલમાં આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

