Ahmedabad, તા.૨
સાણંદમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. વિંછીયા ગામમાં પિતાએ તેના ૧૦ વર્ષના એકના એક પુત્રને પછાડીને પતાવી દીધો હતો. પિતાએ પોતાના ૧૦વર્ષના માસૂમ દીકરાને માતાજીની દેરી સામે પછાડી તેમજ લાકડીના ફટકા મારી નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ પિતા પુત્રના લોહીલુહાણ મૃતદેહ પાસે જ ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો.
સમગ્ર મામલે માતાની ફરિયાદના આધારે સાણંદ પોલીસે આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.વિંછીયા ગામે રહેતા ભારતીબેન પટેલ (ઉં.વ.૩૭) તેમના પતિ નરેશ પટેલ અને ૧૦ વર્ષના પુત્ર કરણ સાથે રહેતા હતા. આશરે દસ દિવસ પહેલાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં નરેશે ભારતીબેનને માર માર્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને ભારતીબેન પિયર જતાં રહ્યાં હતાં. જોકે, પુત્ર કરણની સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોવાથી તેને પિતા પાસે જ મૂકી રાખ્યો હતો.૧ નવેમ્બરની સાંજે પાડોશીએ ભારતીબેનને ફોન કરીને જણાવ્યું કે, નરેશ તેમના પુત્રને લાકડીથી ઢોર માર મારી રહ્યો છે.
આ સાંભળી ગભરાયેલા ભારતીબેન પોતાના માતા-પિતા, ભાઈ અને ભાભી સાથે રાત્રે ૯ વાગ્યે તાબડતોબ વિંછીયા પહોંચ્યા હતા. ઘર પાસે આવેલી જોગણી માતાની દેરી નજીક પહોંચતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ૧૦ વર્ષનો પુત્ર ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યો હતો, જ્યારે બાજુના ખાટલામાં લોહીવાળા કપડાં પહેરીને પતિ નરેશ આરામથી સૂતો હતો.ભારતીબેને દીકરાના મોત અંગે પૂછતાં નરેશે કોઈપણ પસ્તાવા વગર ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, મારા પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી હું ભૂવો બન્યો છું. હવે મારા પછી આપણા પરિવારમાં કોઈ ભૂવો ન બને તે માટે મેં પુત્રને બંને પગેથી પકડી માતાજીની દેરી આગળ બે-ત્રણ વાર પછાડ્યો અને માથામાં લાકડી મારીને તેને મારી નાખ્યો છે.આ ભયાનક કબૂલાત સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ભારતીબેનની ફરિયાદના આધારે સાણંદ પોલીસે આરોપી પિતા નરેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

