Bangkok, તા. 7
થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીકનાં નોન્થાબુરી પ્રાંતનાં બાંગ ક્રુઆઈ જિલ્લાની એક જાણીતી હાઈસ્કૂલમાં આજે આઠમાં ધોરણનાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરીને ભારે સનસનાટી મચાવી દીધી હતી.
આ હિંસક ઘટનામાં આતંક મચાવનાર વિદ્યાર્થીએ સૌપ્રથમ પોતાનાં શિક્ષકને ગોળી મારી હતી અને ત્યારબાદ પોતે પણ શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળે જ શિક્ષક અને શૂટર વિદ્યાર્થી બંનેનાં મોત નીપજ્યાં હતાં.
સ્થાનિક પ્રસારક `થાઈ પીબીએસ’ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાયરિંગની ઘટનામાં 10થી 15 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાએ થાઈલેન્ડમાં બંદૂકની સરળ ઉપલબ્ધતા અને સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાઈ પ્રદેશમાં થાઈલેન્ડ સૌથી વધુ બંદૂકની માલિકી ધરાવતાં દેશોમાં ટોચ પર છે.
આંકડાકીય અંદાજ મુજબ, ત્યાં આશરે 1 કરોડ જેટલા હથિયારો લોકો પાસે છે, એટલે કે સરેરાશ દર સાત નાગરિકોમાંથી એક વ્યક્તિ પાસે બંદૂક છે. સ્કૂલમાં ઘટેલી આ કરૂણ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

