Ahmedabad,તા.૭
અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગેરકાયદેસર અને નિયમોનો ભંગ કરતી અનેક સિઝનલ દુકાનો અને એકમો સામે કાર્યવાહી કરીને તેમને સીલ કર્યા હતા. આ કાર્યવાહી બાદ શહેરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ અંગે કડક ચેકિંગ હાથ ધરાયું હતું.
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એએમસીએ હવે સીલ કરાયેલી સિઝનલ દુકાનોને શરતી ધોરણે ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે, વેપારીઓ હાલ માત્ર રાખડી અને અન્ય સિઝનલ વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. ફટાકડાનું વેચાણ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના વેચાણ માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ફટાકડા વેચવા માટે સંબંધિત ત્રણ પ્રકારની મંજૂરી લેવી પડશે અને નવી ફાયર એનઓસી મેળવવી પણ ફરજિયાત રહેશે.
દુકાન ફરી શરૂ કરતા પહેલા વેપારીઓએ એએમસી સમક્ષ બાંયધરી બોન્ડ રજૂ કરવાનો રહેશે. જેમાં તેઓ ફટાકડાનું વેચાણ નહીં કરે અને કોર્પોરેશનના તમામ નિયમોનું પાલન કરશે તેવી લેખિત ખાતરી આપવી પડશે. નિયમોના ભંગ બદલ ફરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
એએમસીએ જણાવ્યું છે કે રક્ષાબંધન બાદ ફરી એકવાર શહેરભરમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવશે. જો કોઈ વેપારી નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતો ઝડપાશે તો તેની સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તંત્રનું કહેવું છે કે તહેવારો દરમિયાન વેપારીઓને રાહત આપવાની સાથે નાગરિકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી તમામ વેપારીઓને નિયમોનું પાલન કરીને જ વ્યવસાય કરવાની અપીલ કરવામાં આવી છે.

