દારૂ, ટ્રક, પેઈન રિલીફ ટ્યુબના રો મટીરીયલ સહીત રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે ક્લિનરની ધરપકડ, ડ્રાયવર ફરાર
દારૂ મંગાવનાર બુટલેગર, કાર લઇ દારૂ ભરવા ગયેલી બેલડી, ચંદીગઢથી દારૂ મોકલનાર સપ્લાયર સહીત સાત શખ્સોની શોધખોળ
Rajkot તા.૨૧ઃ
રાજકોટ શહેરમાં અગાઉ હલેન્ડા નજીક પાર્કિંગમાંથી દારૂ ભરેલો ટ્રક અને કુવાડવા નજીક ગોડાઉનમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપ્યા બાદ વધુ એકવાર એસએમસીની ટીમે ત્રાટકી લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. અમદાવાદ હાઇવે પર એરપોર્ટ પોલિસની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૬૦૪ પેટીમાં રહેલ ૨૧૭૯૨ બોટલ દારૂ ભરેલો આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે. અહીંથી વિજિલન્સએ દારૂ, ટ્રક અને રો મટીરીયલ સહીત રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ક્લિનરની ધરપકડ કરી હતી જયારે ડ્રાયવર ફરાર થઇ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
દારૂના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં ગેરકાયદે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની વિવિધ ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન પીઆઈ પી બી જેબલીયાની ટીમને મળેલી હકીકતના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર ગામ નજીક આવેલ રાધે કૃષ્ણ હોટલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીએ અહીંથી આરજે-૦૬-જીડી-૩૭૨૩ માંથી પેઈન રિલીફ ટ્યુબના ખાલી બોક્સના આડમાં છુપાવેલી દારૂની ૨૧૭૯૨ બોટલ જેની કિંમત રૂ.૮૬,૬૩,૭૧૨ તેમજ ટ્રક, ખાલી બોક્સ સહીત રૂ. ૧,૧૦,૯૧,૦૧૨ ના મુદ્દામાલ સાથે ક્લિનર દિલીપસિંઘ સુખદેવસિંઘ રાવત (રહે. બયાવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જયારે ટ્રક ચાલક અંધારાનો લાભ ઉઠાવી નાસી જવામાં સફળ રહ્યો હતો.
એસએમસીએ દરોડા દરમિયાન ફરાર થઇ જનાર ટ્રક ચાલક જીતેન્દ્રસિંઘ શ્રવણસિંઘ (રહે. રાજસમંદ, રાજસ્થાન), સુરેશ, ટ્રક માલીક, ચંદીગઢનો જીતેન્દ્રસિંઘ, થાર ગાડી લઈને દારૂ ભરવા જનાર બે શખ્સો, દારૂનો જથ્થો રાજકોટ ખાતે મંગાવનાર શખ્સ સહીત સાત શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
દરોડા અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દારૂનો જથ્થો ચંદીગઢ ખાતેથી ભરી અહીં રાજકોટ ખાતે આવી રહ્યો હતો. જેથી પોલીસે સપ્લાયર અને રિસીવર બુટલેગર સહીત સાત શખ્સોની શોધખોળ આદરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના દાવા વચ્ચે સૌરાષ્ટ્ર સુધી શરાબની રેલમ છેલમના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી એસએમસીએ કરોડોનો દારૂ ઝડપી પાડ્યો હતો. સરહદો સીલ છે તો આટલો મોટો દારૂ રાજ્યમાં કઈ રીતે ઘૂસી રહ્યો છે? દારૂની ઘૂસણખોરી રોકવાના દાવા કરે છે. દારૂના કાળા કારોબારની આખી વ્યવસ્થાને જ સવાલોના ઘેરામાં મૂકી દીધી છે.

