ગોલ્ડ પોલિશ કારીગર સુફરઅલી શેખ દુકાનમાંજ પગલુ ભર્યું, પરિવારમાં કલ્પાંત
Rajkot તા.૨૧ઃ
શહેરમાં ઘાંચીવાડ રહેતા અને સોનીબજારમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા પ્રૌઢે પત્ની, પુત્ર સાથે ફોનમાં માથાકૂટ થયા બાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબે પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘાંચીવાડમાં રહેતા અને ગોલ્ડ પોલિશનું કામ કરતા સુફરઅલી અબ્દુલ રહેમાન શેખ ઉમર ૪૫ વર્ષીય પ્રૌઢે સોનીબજાર ખાતે આવેલી સોનાની દુકાનમાં ગત ૨૦મીએ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેણે એસિડ પી લીધું હતું. જેથી સાથી કર્મચારીઓ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ઈમર્જન્સી વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.સાથી કર્મચારીઓના જણાવ્યા મુજબ સુફરઅલીને પરિવાર સાથે ઘણા સમયથી દરરોજ માથાકૂટ થતી હતી. બનાવ પહેલાં પણ પત્ની અને પુત્ર સાથે ફોનમાં ચઢભડ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રોઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

