New Delhi, તા. 8
મેદાન પર કરોડો ફેન્સના દિલ જીતનારા ખેલાડીઓ હવે સોશિયલ મીડિયા પરથી પણ બમ્પર કમાણી કરી રહ્યાં છે. એક તાજા રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ પોસ્ટની કિંમત જાણીને તમે પણ હેરાન રહી જશો.
આ લિસ્ટમાં ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી આગળ છે, જ્યારે ભારતીય ક્રિકેટનાં સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલી પણ દુનિયાનાં ટોપ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે. ચાલો જાણીએ કે ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કયો એથ્લીટ કેટલું કમાય છે.
`ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. તેમનાં 678 મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે રૂા.27 કરોડ ચાર્જ કરે છે.
આ જ કારણ છે કે દુનિયાનાં મોટા-મોટા બ્રાન્ડ્સ તેમની સાથે જોડાવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી આ લિસ્ટમાં બીજા સ્થાને છે. તેમના 515 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે અને તેઓ એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે રૂા.22 કરોડ ચાર્જ કરે છે. ફૂટબોલની સાથે સોશિયલ મીડિયા પર પણ તેમની લોકપ્રિયતા સતત જળવાયેલી છે.
રિપોર્ટ્સ અનુસાર, લિયોનેલ મેસીની અનુમાનિત નેટવર્થ 1 બિલિયન ડોલર છે. બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં મેસીએ સેલેરી અને બોનસ તરીકે 700 મિલિયન ડોલરથી વધુ કમાયા છે. આ સિવાય એન્ડોર્સમેન્ટ, સ્પોન્સરશિપ, લાઈસન્સિંગ ડીલ અને બિઝનેસ વેન્ચરથી પણ તેમણે મોટી કમાણી કરી છે.
FC બાર્સિલોના સાથે તેમનો 2017 નો કોન્ટ્રાક્ટ રમતગમતનાં ઈતિહાસમાં સૌથી મોંઘા કોન્ટ્રાક્ટ્સમાં સામેલ રહ્યો હતો. પાછળથી તેમણે પેરિસ સેન્ટ-જર્મન (PSG) અને પછી ઈન્ટર મિયામી સાથે પણ કરોડો ડોલરની ડીલ કરી, જેમાં MLS સેલેરી સાથે Apple અને ક્લબની ઈક્વિટી સાથે જોડાયેલા ફાયદા પણ સામેલ છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નેટવર્થ અને સેલેરી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક પોર્ટુગીઝ પ્રોફેશનલ ફૂટબોલર, એન્ટરપ્રિન્યોર અને ગ્લોબલ આઇકન છે. `સેલિબ્રિટી નેટવર્થ’ના રિપોર્ટ અનુસાર તેમની નેટવર્થ 1.2 બિલિયન ડોલર છે. સાઉદી ક્લબ અલ-નાસર સાથે તેમનો વાર્ષિક પગાર આશરે 224 મિલિયન ડોલર છે.
રોનાલ્ડોએ જૂન 2025 માં અલ-નાસર સાથે નવો કોન્ટ્રાક્ટ સાઈન કર્યા પછી સત્તાવાર રીતે અબજોપતિ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. તેમની કમાણીનો મોટો હિસ્સો રેકોર્ડ સેલેરી, નાઇકી સાથે લાઈફટાઈમ ડીલ, હોટેલ બિઝનેસ, ફિટનેસ બ્રાન્ડ અને ટેક ઈન્વેસ્ટમેન્ટમાંથી આવે છે.
સેલેના ગોમેઝની કમાણી પણ ચોંકાવનારી
અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને પ્રોડ્યુસર સેલેના ગોમેઝ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેમના 404 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે અને તેઓ એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે રૂા.22 કરોડ ચાર્જ કરે છે.
અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને પ્રોડ્યુસર સેલેના ગોમેઝની અનુમાનિત નેટવર્થ 1 બિલિયન ડોલર છે. તેમની સંપત્તિનો મોટો હિસ્સો તેમની કોસ્મેટિક કંપની ‘રેર બ્યુટી’ માંથી આવ્યો છે. ચાઈલ્ડ આર્ટેિસ્ટ તરીકે કરિયર શરૂ કરનાર સેલેના આજે દુનિયાનાં સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા સ્ટાર્સમાં ગણાય છે.
કાઈલી જેનર અને ડ્વેન જોહ્ન્સનનો પણ જલવો
કાઈલી જેનર આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેમના 381 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે અને તેઓ એક પ્રમોશનલ પોસ્ટ માટે આશરે રૂા.20 કરોડ ચાર્જ કરે છે. હોલીવુડ સ્ટાર અને પૂર્વ WWE રેસલર ડ્વેન જોહ્ન્સન, જેમને ‘ધ રોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ આ યાદીમાં પાંચમાં સ્થાને છે. તેમનાં 382 મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે આશરે રૂા.20 કરોડ કમાય છે.
વિરાટ કોહલીની કમાણી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ લિસ્ટમાં 14મા સ્થાને છે. તેમનાં ઈન્સ્ટાગ્રામ પર 272 મિલિયન ફોલોઅર્સ છે અને રિપોર્ટ મુજબ તેઓ એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે રૂા.12 કરોડ ચાર્જ કરે છે.
આ સિવાય X પર તેમના 71.8 મિલિયન ફોલોઅર્સ છે, જ્યાં એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે તેમની ફી આશરે રૂા.2.5 કરોડ બતાવવામાં આવે છે. ટીમ ઈન્ડિયા, IPL અને મોટા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના દમ પર વિરાટ દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે.
વિરાટ કોહલીની નેટવર્થ અને સેલેરી
‘સેલિબ્રિટી નેટવર્થ’ના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીની અનુમાનિત નેટવર્થ 120 મિલિયન ડોલર છે. ક્રિકેટમાંથી મળતી કમાણી સિવાય તેમની સંપત્તિનો મોટો હિસ્સો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બિઝનેસ વેન્ચર અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાંથી આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમની વાર્ષિક કમાણી 20-25 મિલિયન ડોલરથી વધુ રહી છે, જેમાં વિજ્ઞાપન અને બ્રાન્ડ ડીલ્સનું મોટું યોગદાન છે.
કોહલી IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગલુ અને ઘરેલું ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત કરે છે. તેમણે 2013 થી 2022 સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી અને પોતાની શાનદાર બેટિંગના દમ પર દુનિયાનાં સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ આઇકનમાં સ્થાન બનાવ્યું.

