વાડીના મકાનમાં ગંજીપાનાથી જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા, રોકડ સહિત રૂ.૧૦.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧૦.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમને મળેલી બાતમીના આધારે તા.૧૦ ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે ૨૧૫ વાગ્યે લખતર ગામની સીમમાં આરોપી હેમરાજભાઈ ભાલોડીયાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હેમરાજભાઈએ પોતાના કબજાની વાડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાનાના પાનાથી જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવ્યો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા સુખાભાઈ મેધજીભાઈ ધેટીયા, કાન્તીભાઈ ગંગારામભાઈ સંતોકી, પ્રવીણભાઈ અમૃતભાઈ નીમાવત, જીગ્નેશભાઈ મોહનભાઈ નાગપરા, નીલેશભાઈ ગીરધરભાઈ ભીમાણી, અજયભાઈ મનજીભાઈ ગોદવાણી, નરભેરામ ટપુભાઈ ગડારા અને લાભુભારતી બચુભારતી ગોસાઈ મળી કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩,૩૫,૯૦૦, ગંજીપાનાના ૫૨ પાના, ત્રણ મોટરસાયકલ કિંમત રૂ.૧ લાખ, એક ઇકો કાર કિંમત રૂ.૫ લાખ તથા આઠ મોબાઈલ ફોન કિંમત રૂ.૯૦ હજાર મળી કુલ રૂ.૧૦,૨૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં આરોપી હેમરાજભાઈ શીવાભાઈ ભાલોડીયા ઉંમર ૬૩ વર્ષના હોવાથી સિનિયર સિટિઝન તરીકે તેમને નોટિસ આપવામાં આવી હોવાનું પોલીસની ફરિયાદમાં નોંધાયું છે.આ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જ ક્રાઈમ ટી-૧ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એચ. કાંટેલીયાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ જોડિયા પોલીસ મથકના પીઆઈ પી.એન. ખાચર ચલાવી રહ્યા છે.

