New Delhi, તા. 11
સાઈ સુદર્શન પગનાં અંગૂઠામાં ઈજાના કારણે સમગ્ર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયાં બાદ ભારતીય પ્લેઇંગ ઈલેવનનું માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે કેપ્ટન શુભમન ગિલ અને કોચ સામે એક જ મોટો સવાલ છે – ગોલની પડકારજનક ટર્નિંગ પીચ પર ત્રીજા નંબરે દેવદત્ત પડિક્કલને ઉતારવામાં આવે કે પછી સરફરાઝ ખાન પર ભરોસો કરવામાં આવે.
દેવદત્તનો દાવો મજબૂત
કર્ણાટકના ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિક્કલનો દાવો મજબૂત છે. શ્રીલંકા ક્રિકેટ-11 સામેની પ્રેક્ટિસ મેચમાં પડિક્કલે તક ઝડપી લીધી. તેણે 164 બોલમાં 142 રનની અણનમ ઇનિંગ રમી. તેણે માત્ર રન જ ન બનાવ્યાં, પરંતુ પરિસ્થિતિ મુજબ ક્રીઝ પર સમય પણ વિતાવ્યો અને સ્પિનરો સામે પોતાની શાનદાર ટેકનિકનું પ્રદર્શન કર્યું.
પડિક્કલની તરફેણમાં સૌથી મોટી વાત એ છે કે તેનું વર્તમાન ફોર્મ અને પ્રેક્ટિસ મેચમાં શ્રીલંકાની પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળી લેવું. આ ઉપરાંત, ટોપ ઓર્ડરમાં જમણાં અને ડાબોડીનું સંયોજન જાળવી રાખવાની દ્રષ્ટિએ પણ પડિક્કલ પ્રથમ પસંદગી દેખાય છે.
સરફરાઝની સ્પિન પર પકડ
બીજી તરફ, સાઈ સુદર્શનના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરાયેલાં સરફરાઝ ખાનનો ઘરેલું ક્રિકેટ અને લાલ બોલના ફોર્મેટમાં રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. ખાસ કરીને એશિયાઈ પીચો પર સ્પિન બોલિંગ સામે તેનું ફૂટવર્ક અને સ્વીપ શૉટ રમવાની ક્ષમતા તેને કોઈપણ બોલિંગ આક્રમણ સામે ખતરનાક બનાવે છે.
ગોલનું મેદાન ઐતિહાસિક રીતે સ્પિનનો ગઢ માનવામાં આવે છે, જ્યાં રમત આગળ વધવાની સાથે બોલ ખૂબ સ્પિન થાય છે. આવી પરિસ્થિતિમાં સરફરાઝનો અનુભવ અને આક્રમક વલણ ભારતનાં મધ્યક્રમને મજબૂતી આપી શકે છે. સરફરાઝ પાસે સ્વીપ અને રિવર્સ સ્વીપ જેવા શૉટ્સ પણ છે. એવામાં 15 ઓગસ્ટે ગોલ ટેસ્ટમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી સંભવ છે.
બીજા પણ ઘણાં પડકાર
♦ કેપ્ટન ગિલની પરીક્ષા : આંગળીની ઈજામાંથી ઉગર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે પ્રેક્ટિસ મેચમાં 44 રન બનાવીને પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે. પૂર્ણકાલીન ટેસ્ટ કેપ્ટન તરીકે વિદેશમાં તેની આ પ્રથમ WTC શ્રેણી છે.
♦ બુમરાહ વિના બોલિંગ પર દબાણ : જસપ્રીત બુમરાહ શ્રેણીમાંથી બહાર રહેવાથી શ્રીલંકાનાં બેટ્સમેનોને રાહત મળશે. મોહમ્મદ સિરાજની આગેવાની હેઠળ ભારતનાં યુવા પેસ એટેકે વધારાની જવાબદારી નિભાવવી પડશે.
♦ ટેસ્ટમાં ટૉસ જ હશે બોસ! : ગોલમાં રમાયેલી 49 ટેસ્ટ મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 375 રન છે, જે ચોથી ઇનિંગ્સમાં ઘટીને માત્ર 154 રન રહી જાય છે. એનો અર્થ એ થયો કે અહીં ટૉસ જીતવો એ અડધી મેચ જીતવા સમાન હશે.
♦ જડેજા-કુલદીપ પર નજર : પ્રેક્ટિસ મેચમાં બેટ (63 રન) અને બોલ (4 વિકેટ) બંને વડે શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જડેજા અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવની જોડી ભારતનું મુખ્ય હથિયાર બનશે.
♦ WTCનું ગણિત : ભારત હાલમાં 48.15 ટકાવારી સાથે 5મા સ્થાને છે. ગોલમાં 2-0થી જીત ભારતની જીત ટકાવારી વધારીને 57.6 ટકા કરી દેશે, જેનાથી ટીમનો ટોપ-2માં પહોંચવાનો દાવો મજબૂત થશે.
મુંબઈમાં વરસાદ તો કશ્મીરમાં કર્યો અભ્યાસ, દોઢ વર્ષમાં 17 કિલો વજન પણ ઘટાડ્યું
સરફરાઝ ખાને છેલ્લાં દોઢ વર્ષમાં 17 કિલો વજન ઓછું કર્યું છે. 28 વર્ષીય બેટ્સમેને મુંબઈમાં વરસાદના કારણે કશ્મીર જઈને શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરી. 2024માં ન્યુઝીલેન્ડ સામે ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યાં બાદ ટીમમાંથી બહાર કરાયેલા સરફરાઝે આ પછી ઇન્ડિયા ‘એ’ માટે પણ સારું પ્રદર્શન કર્યું.
તેણે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં સદી અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે 92 રન બનાવ્યાં. સુદર્શનની ઈજા બાદ પસંદગી માટે તેની સાથે ઋતુરાજ ગાયકવાડ અને શેખ રશીદના નામ પણ હતાં, પરંતુ સ્પિન રમવાની તેની ક્ષમતા તેને સરસાઈ આપી શકે છે.

